ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 જુલાઈ, ૨૦૨૧
શુક્રવાર
એક ઑલિમ્પિક મેડલ વિજેતા ખેલાડી પાસેથી લગભગ 10 અબજ રૂપિયાનું ડ્રગ્સ મળી આવ્યું છે. ડ્રગ્સ રાખવા બદલ તેને 25 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. તેની સાથે તેના ભાઈની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ખેલાડીનું નામ નાથન બગલે છે. આ મૂળ ઑસ્ટ્રેલિયાનો રહેવાસી છે અને તેણે બે વાર ઑલિમ્પિક્સમાં રજત પદક જીત્યો છે. ત્રણ વર્ષ પહેલાં, નાથન લગભગ 10 અબજની કિંમતનું કોકેન વેચતો પકડાયો હતો.
વર્ષ 2019માં તેના ભાઈ ડ્રૂએ એક ભાગીદાર સાથે મળીને એક બોટમાંથી 650 કિલો કોકેન ઉપાડ્યું હતું. ડ્રૂ અને તેના સાથીની ઑસ્ટ્રેલિયન નેવી પોલીસે ધરપકડ કરી હતી. કોકેન છુપાવેલી બોટનો પીછો કરતી વખતે પોલીસને નાથન મળ્યો હતો. આ મામલો ઑસ્ટ્રેલિયાની સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. નાથન અને ડ્રુ વતી કોર્ટમાં દલીલ થઈ હતી કે તેઓ આ વિશે કંઈ જ જાણતા નથી. જોકે કોર્ટે તેમની દલીલ ફગાવી દીધી હતી.
સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ મુજબ ભૂતપૂર્વ ઑલિમ્પિક ઍથ્લેટ ડ્રગ્સની હેરફેરમાં સામેલ હતો અને આ નાણાકીય વ્યવહારમાં મોટો નફો મેળવવાનો હતો. નાથનને 25 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. વર્ષ 2007માં પણ નાથનની કારમાંથી 800 ડ્રગ્સની ગોળીઓ સહિત ગાંજો અને રોકડ રકમ પણ મળી આવી હતી. આ પ્રકરણમાં તેની વિરુદ્ધ 2009માં ખટલો ચલાવવામાં આવ્યો હતો.