ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
રાજ્યના નવોદિત ક્રિકેટ ખેલાડીઓને તાલીમ મળે એવા હેતુથી ક્રિકેટ ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવાની સુનીલ ગાવસ્કરની ઇચ્છા હતી. આ બાબતે સુનીલ ગાવસ્કર ક્રિકેટ ફાઉન્ડેશનના માધ્યમથી રાજ્ય સરકાર પાસે ગાવસ્કરે મંજૂરી માગી હતી. જેને ગઈ કાલે રાજ્યના ગૃહ નિર્માણ વિભાગે પરવાનગી આપીને કરોડો રૂપિયાની જમીન ગાવસ્કરને મફતમાં આપી દીધી છે.
બીકેસી સ્થિત આ બે હજાર ચો.મીટર જગ્યામાં ટ્રેનિંગ સેન્ટર બાંધવામાં આવશે. આગામી ૩૦ દિવસમાં ફાઉન્ડેશન, મ્હાડા સાથે ભાડાનો કરાર પૂર્ણ કરશે. કરાર થયા બાદ એક વર્ષમાં બાંધકામ શરૂ થઈને ત્રણ વર્ષ સુધીમાં બાંધકામ પૂર્ણ થશે.
મુંબઈના માનખુર્દ વિસ્તારમાં લાગી ભીષણ આગ, ફાયર વિભાગની 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી; જુઓ વીડિયો
અહીંયાં ક્રિકેટના ખેલાડીઓ સહિત બેડમિન્ટન, ફૂટબૉલ, સ્ક્વૉશ અને ટેબલ ટેનિસના ખેલાડીઓને પણ તાલીમ અપાશે. ટ્રેનિંગ સેન્ટરમાં આ બધી રમતોના પ્રશિક્ષણ સાથે હેલ્થ ક્લબ, ફિટનેસ સેન્ટર, વ્યાયામશાળા, સ્વિમિંગ પૂલ વગેરેની યોજના પણ છે. એ સિવાય સેન્ટરમાં ખેલાડીઓ માટે સ્પૉર્ટ્સ મેડિસિન સેન્ટર, સ્પૉર્ટ્સ કેફેટેરિયા અને રહેવાની વ્યવસ્થા કરવાની પરવાનગી પણ મળી છે.
આ ટ્રેનિંગ સેન્ટરમાંથી થનારા નફાની ૨૫ ટકા રકમ સરકારને આપવી પડશે તેમ જ ઇન્ડોર ક્રિકેટ સ્ટૅડિયમને બદલે સ્પૉર્ટસ સેન્ટર ઇન્ડોર અથવા આઉટડોર ફેસિલિટીઝ એવું નામ આપવાની બે શરતો રાજ્ય સરકારની છે.
મુંબઈના આ વિસ્તારમાં નિર્માણાધીન પુલ તૂટી પડ્યો, 13 મજૂરો ઘાયલ, રેસ્ક્યૂ ઑપરેશન ચાલુ; જુઓ વીડિયો