ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૮ મે 2021
શુક્રવાર
ચક્રવાતનો ભોગ બનેલા લોકોને વળતર આપવા માટે આજે યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાહત અને પુનર્વસનપ્રધાન વિજય વડેટ્ટીવારે મીડિયાને જણાવ્યું છે કે “ચક્રવાતથી અસરગ્રસ્ત લોકોને કુલ ૨૫૨ કરોડ રૂપિયાની મદદ કરવામાં આવશે, એવો નિર્ણય કૅબિનેટની મિટિંગમાં લેવાયો છે.”
વાવાઝોડું તાઉતેને કારણે સિંધુદુર્ગ, રાયગઢ, રત્નાગિરિ અને પાલઘર જેવા વિસ્તારોમાં ભારે નુકસાન થયું હતું. ત્યાર બાદ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ સહિત અનેક પ્રધનો અને નેતાઓએ કોંકણની મુલાકાત લીધી. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જાહેરાત કરી હતી કે પીડિતોને સહાય આપવામાં આવશે.
આ નિર્ણય અંગે જણાવતાં આજે પ્રધાન ઉદય સામંતે મીડિયાને કહ્યું હતું કે “ચક્રવાતને કારણે થયેલા નુકસાન માટે કોંકણના લોકોને રાહત આપવાનો નિર્ણય મહાવિકાસ આઘાડી સરકારે આજે કૅબિનેટની બેઠકમાં લીધો હતો. જો અમે કેન્દ્ર સરકારના નિયમ મુજબ વળતર ચૂકવ્યું હોત, તો અમારે ફક્ત ૭૨ કરોડ ચૂકવવા પડ્યા હોત, પરંતુ મુખ્ય પ્રધાને ત્રણ ગણી વધુ રકમ આપવાનું નક્કી કર્યું.” આ નિવેદન અનુસાર અસરગ્રસ્ત લોકોને ૨૫૨ કરોડ રૂપિયાની મદદ કરવામાં આવશે.
મહારાષ્ટ્રની કૅબિનેટ મિટિંગ સમાપ્ત થઈ; લૉકડાઉન સંદર્ભે રાજ્ય સરકારે કરી આ મોટી જાહેરાત
તેમણે ઉમેર્યું હતું કે “કેન્દ્ર સરકારે જેમ ગુજરાતને ૧,૦૦૦ કરોડની સહાયની જાહેરાત કરી છે, એવી જ રીતે મહારાષ્ટ્રને પણ ૫૦૦ કરોડની મદદ મળે તો રાહત થશે. વિપક્ષે મદદ માટે કેન્દ્ર સાથે આ બાબતે વાત કરવી જોઈએ.”