ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021
સોમવાર
પંજાબમાં કૉન્ગ્રેસના કૅપ્ટન અમરિન્દરસિંહના રાજીનામા બાદ દલિત નેતા ચરણજિત સિંહ બન્ની મુખ્ય પ્રધાન બન્યા છે. પંજાબમાં કૅપ્ટનને રાજીનામું અપાવીને કૉન્ગ્રેસે તેમને બહુ આંચકો આપ્યો હોવાનું કહેવાય છે. આ નિર્ણય કૉન્ગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરના કહેવા મુજબ લીધો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પંજાબમાં કૉન્ગ્રેસ કૅપ્ટનના નેતૃત્વમાં જીતી શકશે નહીં એવી ચોખ્ખા શબ્દોમાં પ્રશાંત કિશોરે કૉન્ગ્રેસને સલાહ આપી હોવાનું કહેવાય છે. આ સલાહને અનુસરીને જ કૉન્ગ્રેસે તેમની પાસેથી રાજીનામું માગી લીધું હોવાનું કહેવાય છે.
અહીં ઉલ્લેખનીય છે કે કૅપ્ટન અમરિન્દર સિંહે થોડા મહિના પહેલાં જ પ્રશાંત કિશોરને પોતાના સલાહકાર બનાવ્યા હતા. કૅપ્ટનનો આ નિર્ણય જ તેમને ભારે પડી ગયો હતો. કૅપ્ટન સાથે થોડા મહિના કામ કરવા દરમિયાન તેમના આપખુદ નિર્ણયો અને તેમના સ્વભાવ અને સરકારમાં ચાલીર હેલા ભ્રષ્ટાચારને પ્રશાંત કિશોર સારી રીતે સમજી ગયા હતા. તેથી તેમણે કૅપ્ટનના સલાહકારપદેથી રાજીનામું આપી દીધું છે. કૅપ્ટન સાથેના થોડા મહિનાના અનુભવ બાદ તેમને સારી પેઠે સમજી ગયેલા પ્રશાંતે તેથી જ રાહુલ ગાંધીને સલાહ આપી હતી. એ મુજબ પંજાબમાં કૅપ્ટનને કારણે કૉન્ગ્રેસનું જીતવું અશક્ય છે. આમ આદમી પાર્ટી કૉન્ગ્રેસને પછાડી દેશે.
એટલું જ નહીં, પણ પાર્ટીના આંતરિક સર્વેક્ષણમાં પણ પંજાબમાં કૉન્ગ્રેસ નબળી પડી ગઈ હોવાનું જણાયું હતું. આગામી ચૂંટણીમાં કૅપ્ટનના નેતૃત્વમાં અડધી સીટો પણ નહીં જીતી શકે એવા રિપૉર્ટથી કૉન્ગ્રેસનું હાઈ કમાન્ડ ચોંકી ગયું હતું. અહીં ઉલ્લેખનીય છે કે હાલ પંજાબમાં 117 સભ્યોની વિધાનસભાની બેઠકમાં કૉન્ગ્રેસ પાસે 80 બેઠક છે.