ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 જૂન 2021
બુધવાર
મહારાષ્ટ્રના દક્ષિણ ભાગમાં ચોમાસાની શરૂઆત સાથે જ મુંબઈના પરા અને રાજ્યના અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદ શરૂ થયો છે. હવે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કોંકણ ક્ષેત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી બે દિવસમાં કોંકણમાં વાદળ ફાટી શકે છે.
રાયગઢ અને રત્નાગિરિમાં આગામી બે દિવસ ભારે વરસાદની પણ ચેતવણી આપવામાં આવી છે. રત્નાગિરિ જિલ્લામાં 11 અને 12 જૂને 200 મિ.મી. જેટલો વરસાદ પડે એવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગે 10થી 11 જૂન દરમિયાન જિલ્લામાં ભારે વરસાદની પણ આગાહી કરી છે.
મુંબઈ, થાણે તથા પાલઘરમાં નૈઋત્યના ચોમાસાનું આગમન જાણો વધુ વિગત
ઉલ્લેખનીય છે કે આ દરમિયાન 12થી 20 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી પણ કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાયગઢવાસીઓ માટે આગામી દિવસો જોખમી સાબિત થશે. આ આગાહી બાદ રાયગઢ અને રત્નાગિરિના લોકોને આવશ્યક કારણ વગર ઘરની બહાર ન જવાની સૂચના આપવામાં આવી છે.