ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 ઑગસ્ટ, 2021
શુક્રવાર
હિમાચલ પ્રદેશમાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. ગુરુવારે કિન્નૌરમાં નૅશનલ હાઇવે -5 પર નિગુલસેરી નજીક ભૂસ્ખલન થયું હતું, એ રાહત અને બચાવકાર્ય હજુ પણ ચાલુ છે. દરમિયાન લાહૌલમાં પર્વત તૂટવાના સમાચારે હલચલ મચાવી દીધી છે. લાહૌલમાં, પર્વત તૂટવાને કારણે, ડ્રેઇનનું પાણી બંધ થઈ ગયું છે, જેના કારણે આસપાસનાં ગામને ખતરો છે. લાહૌલના જસરથ, તાડાંગ, હલીંગ ગામો વધારે જોખમમાં છે. એવું માનવામાં આવે છે કે જો આ પ્રવાહ અચાનક તૂટી જાય, તો લગભગ એક ડઝન ગામ સહિત ઘણા પુલ વહી શકે છે.
આ ખતરાને ધ્યાનમાં રાખતાં નજીકનાં ગામો ખાલી કરીને લોકોને સુરક્ષિત સ્થળે જવાની હિમાયત કરાઈ છે. લાહૌલના જુંડા નાળાની સામે નાલડા પહાડના ધસવાથી ચંદ્રભાગા નદીનું વહેણ રોકાઈ ગયું છે. સાથે ગામની જમીન, ગામ પરનું જોખમ વધી ગયું છે. સમગ્ર નદી ડેમનું રૂપ લઈ ચૂકી છે. ઘટનાસ્થળે ભયંકર સ્થિતિ સર્જાઈ છે.
ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં નૅશનલ હાઈવે-5 પર નિગુલસરી નજીક ભેખડો ધસવાથી ભયાવહ ભૂસ્ખલનના બીજા દિવસે રેસ્ક્યુ ટીમે કાટમાળમાંથી વધુ ચાર લોકોના મૃતદેહ કાઢ્યા છે. મૃતકોની સંખ્યા 14 પર પહોંચી ગઈ છે. ઘટનાના લગભગ 20 કલાક બાદ હિમાચલ પથ પરિવહન નિગમ બસના કેટલાક ટુકડા અને ટાયરોને પણ શોધી કઢાયાં છે. જોકે બસમાં સવાર મુસાફરોમાંથી 16 લોકો હજુ પણ લાપતા છે.