ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ઑગસ્ટ, 2021
સોમવાર
કોરોનાની ત્રીજી લહેરના જોખમને પગલે કેન્દ્ર સરકારે તહેવારોની ખાસ કરીને દહીંહાંડીના ઉત્સવની ઉજવણી સામે ચેતવણી આપી છે. એને પગલે મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં દહીંહાંડીની ઉજવણી રદ કરી નાખી છે. છતાં સરકારના આ આદેશનું ઉલ્લંઘન કરીને થાણેમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ મોટા પાયા પર દહીંહાંડીની ઉજવણી કરવાની જાહેરાત કરી છે. એથી રાજ્યમાં માંડ નિયંત્રણમાં આવેલો કોરોના ફરી માથું ઊંચકે એવો ભય છે.
દર વર્ષે આખા થાણેમાં મોટા પાયા પર કરોડો રૂપિયાના ઇનામ સાથેની મોટા પાયા પર દહીંહાંડીના કાર્યક્રમનું આયોજન થતું આવ્યું છે. અનેક રાજકીય પાર્ટીઓના નેતાઓ કરોડો રૂપિયાના ઇનામની લ્હાણી કરતા હોય છે. પરંતુ કોરોના મહામારીને પગલે ગયા વર્ષથી દહીંહાંડીની ઉજવણી પર પ્રતિબંધ આવી ગયો છે. આ વર્ષે પણ કેન્દ્ર સરકારની સૂચનાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ઉજવણી પર પ્રતિબંધ મૂકી દીધો છે. છતાં થાણેમાં મનસેએ સરકારના આદેશને ઘોળીને પી જઈને દહીંહાંડીની ઉજવણી કરવાની જાહેરાત કરી છે.સ્થાનિક મનસેના નેતા દ્વારા તેમના કાર્યક્રમમાં ભાગ લેવા માટે મહિલા અને પુરુષોનાં ઘણાં મંડળોએ રજિસ્ટ્રેશ પણ કરાવી લીધાં હોવાનો દાવો કર્યો છે. કોરોનાના તમામ નિયમોનું પાલન કરીને ઉજવણી કરવાનો અજબ દાવો પણ મનસેએ કર્યો છે. ત્યારે દહીંહાંડીમાં સેકંડો લોકોની ભીડ થતી હોય છે ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું પાલન કેવી રીતે થશે એ આશ્ચર્યજનક બાબત છે.
તો શું મહારાષ્ટ્રમાં ફરી નાઇટ કર્ફ્યુ લાગુ પડશે? આ પ્રધાને આપ્યું ચોંકાવનારું નિવેદન; જાણો વિગત
પોલીસે જોકે મનસેની આ જાહેરાત સામે આંખ લાલ કરી છે. દહીંહાંડીના કાર્યક્રમનું આયોજન કર્યું તો કાયદાકીય પગલાં લેવાની ચેતવણી પણ પોલીસે આપી હોવાનું કહેવાય છે.