ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ઑગસ્ટ, 2021
સોમવાર
દેશમાં સળંગ પાંચમા દિવસે ઍક્ટિવ કેસની સંખ્યામાં વધારો થયો છે. એમાં પણ કેરળ અને મહારાષ્ટ્રમાં પૉઝિટિવિટી રેટ વધુ છે. એથી આગામી દિવસોમાં તહેવારને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રમાં નાઇટ કર્ફ્યુ લાદવાની વિચારણ ચાલી રહી હોવાનું કહેવાય છે.
દેશમાં કેરળ બાદ મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે, એ સામે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ચિંતા વ્યક્ત કરી છે. તેમ જ રાજ્યમાં જયાં કોરોનાના કેસ વધુ હોય એટલે કે સંસર્ગ દર વધુ હોય એ વિસ્તારમાં નાઇટ કર્ફ્યુ લાદી દેવાની સૂચના પણ કેન્દ્ર સરકારે આપી હોવાનું કહેવાય છે. તેથી રાજ્ય સરકાર તેના પર વિચાર કરી રહી હોવાનું રાજ્યના આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ કહ્યું હતું.
મહારાષ્ટ્રમાં આજથી ચાર દિવસ વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં થઈ શકે છે મેઘમહેર; જાણો વિગતે
સપ્ટેમ્બરમાં કોરોનાની ત્રીજી લહેરનું સંકટ હોવાની નિષ્ણાતોએ ચેતવણી આપી છે, એથી આગામી દિવસોમાં ગણેશોત્સવ દરમિયાન કોરોનાનો ચેપ વધુ ફેલાય નહીં એ માટે સરકાર પ્રયાસ કરી રહી છે. જે અંતર્ગત વેક્સિનેશન પ્રક્રિયા ઝડપી બનાવવાની સાથે જ ટેસ્ટિંગ વધારવામાં આવી રહ્યાં હોવાનું ટોપેએ કહ્યું હતું. વેક્સિનેશન ઝડપી બનાવવા માટે વેક્સિનની આવશ્યકતા મુજબ પૂરી પાડવાનું કેન્દ્ર સરકારે કહ્યું હોવાથી તેના પર ભાર આપવામાં આવી રહ્યો છે. જોકે તહેવારને ધ્યાનમાં રાખીને લોકોએ પણ માસ્ક પહેરવાથી લઈને ભીડ કરવાનું ટાળવું જોઈએ, તેમ જ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવું જોઈએ એવી સલાહ રાજેશ ટોપેએ આપી હતી.