ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૧ જુલાઈ, ૨૦૨૧
બુધવાર
કોલ્હાપુર અને સાંગલીની મુલાકાત લેતાં નિષ્ણાતોની એક સેન્ટ્રલ ટીમે મહારાષ્ટ્રની ચિંતા વધારી છે. કોલ્હાપુર અને સાંગલી હજી પણ કોરોનાનો પૉઝિટિવિટી રેટ વધારે છે. આ કેન્દ્રીય ટીમે સંપૂર્ણ લૉકડાઉન કરવા સૂચવ્યું છે. કેન્દ્રીય ટીમે ચિંતા વ્યક્ત કરી હતી કે નિયમિતપણે શ્રેણીબદ્ધ પગલાં લેવાય છે છતાં બંને જિલ્લામાં ટ્રાન્સમિશન કેમ અટકતું નથી. જોકેરાજ્યના આરોગ્ય અધિકારીઓએ મીડિયાને કહ્યું હતું કે તેઓને હજી સુધી સેન્ટ્રલ ટીમના સભ્યો તરફથી રિપૉર્ટ મળ્યો નથી.
આ સંદર્ભે રાજ્યના આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ મીડિયાને કહ્યું હતું કે “રાજ્યના બાકીના જિલ્લાઓની તુલનાએ એવા માત્ર 10 જિલ્લાઓ છે, જ્યાં પૉઝિટિવિટી રેટ વધારે છે અને કેન્દ્રીય ટીમે અહીંના કેટલાક જિલ્લાઓની મુલાકાત લીધી છે.” કેન્દ્રીય ટીમે ટેસ્ટિંગ, કૉન્ટૅક્ટ ટ્રેસિંગ અને રસીકરણ વધારવા પર ભાર મૂક્યો હતો. ટોપેએ ઉમેર્યું હતું કે તેઓ ટૂંક સમયમાં દિલ્હી જશે અને વધુ રસીના ડોઝ સપ્લાય કરવા કેન્દ્રને ફરી વિનંતી કરશે.
નૅશનલ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલના ડિરેક્ટર ડૉ. સુજિતસિંહે એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે “અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે આ જિલ્લાઓમાં કોરોનાનું કોઈ નવું ચિંતાજનક રૂપ સામે આવ્યું છે કે કેમ? જેને કારણે કેસ ઘટતા નથી.” ઉલ્લેખનીય છે કે તમામ પ્રયાસ છતાં અહીં કોરોનાના કેસ કાબૂમાં ન આવતાં કેન્દ્રીય ટીમે આ સૂચન કર્યું છે, જેથી આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.