ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 જુલાઈ, 2021
શુક્રવાર
કોવિડ મહામારીને પગલે સ્કૂલની ફીમાં 15 ટકાનો ઘટાડો કરવાની મહારાષ્ટ્ર સરકારે જાહેરાત કરી છે, પરંતુ આ સંદર્ભે જ્યાં સુધી સરકાર વટહુકમ બહાર નહીં પાડે ત્યાં સુધી સ્કૂલની ફીમાં ઘટાડો થઈ શકશે નહીં એવું ભાજપના કાંદિવલીના વિધાનસભ્ય અતુલ ભાતખળકરનું કહેવું છે. એથી વાલીઓ ફી ઘટાડાની સરકારની જાહેરાતને લઈને અવઢવમાં મુકાઈ ગયા છે.
કોરોનાને પગલે દેશભરમાં આખું વર્ષ ઑનલાઇન સ્કૂલ ચાલી હોવા છતાં સ્કૂલની ફી પૂરી વસૂલ કરવામાં આવી હતી. સામાન્ય પરિવારને કોરોનાને પગલે આવકમાં ફટકો પડ્યો હોવાથી સ્કૂલની ફીમાં ઘટાડો કરવાની માગણી થઈ રહી હતી. ભાજપના વિધાનસભ્ય અતુલ ભાતખળકરે આ બાબતે હાઈ કોર્ટમાં અરજી પણ દાખલ કરી હતી. સુનવાણી દરમિયાન કોર્ટે પણ સરકારની ટીકા કરી હતી. છેવટે ઠાકરે સરકારે રાજ્યની સ્કૂલ ફીમાં કપાત કરવાનો નિર્ણય લીધો છે.
ફીમાં 15 ટકાના કપાતની સરકારની જાહેરાતને જોકે ભાજપે લોકોની આંખમાં ધૂળ નાખનારી ગણાવી છે. ભાજપે આ મુદ્દે આક્રમક થઈને સરકારને જાહેરાત કરવાને બદલે વટહુકમ બહાર પાડવાની માગણી કરી છે. અતુલ ભાતખળકરે ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું હતું કે અનઍડેડ સ્કૂલ માટે આ જાહેરાત ગેરમાર્ગે દોરનારી છે. અનઍડેડ સ્કૂલની ફી નક્કી કરવા સંદર્ભમાં 2011નો કાયદો છે. એ મુજબ પેરેન્ટ્સ ઍસોસિયેશન અને સ્કૂલ મૅનેજમેન્ટ સ્કૂલ ફી બાબતે નિર્ણય લઈ શકે છે. ફી વિરુદ્ધ ફરિયાદ હોય તો એ માટે ડિવિઝન કમિટી પણ હોય છે. સરકારની ફી ઘટાડવાની જાહેરાતથી સ્કૂલની ફીને લગતા નિયમ બદલાઈ શકશે નહીં.
સરકારની આ જાહેરાત બાબતે વધુ બોલતાં અતુલ ભાતખળકરે કહ્યું હતું કે ફી ઘટાડવા માટે સરકારે તાત્કાલિક વટહુકમ બહાર પાડવો પડશે. વટહુકમ બહાર પાડતાં પહેલાં પણ સ્કૂલની ફીના કાયદામાં પ્રોવિઝન કરવું પડશે. એટલે કે કે ઇમર્જન્સી પરિસ્થિતમાં સરકાર ફી ઘટાડી શકે છે. એ મુજબ કાયદામાં સુધારો કરવો પડશે, ત્યાર પછી સરકારે કૅબિનેટમાં મંજૂરી મેળવીને વટહુકમ બહાર પાડવાનો રહેશે. ત્યાર પછી રાજ્યપાલની સહી લેવી પડશે. જોકે આ દરમિયના આ વટહુકમ પર ખાનગી સ્કૂલવાળા સ્ટે લાવે નહીં એની કાળજી સરકારે લેવી પડશે. ફી ઘટાડવા સંદર્ભમાં સરકારની ઇચ્છાશક્તિ હશે તો ભાજપ સ્વાગત કરશે, નહીં તો આંદોલન ચાલુ રાખશે.