ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,27 જાન્યુઆરી 2022
ગુરુવાર.
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) એક્ટ લાગુ થયા બાદ હવે દેશના વિવિધ રાજ્યોને મળનારી વળતરની રકમ બંધ થઈ જશે. GST લાગુ થવાની તારીખથી પાંચ વર્ષ સુધી રાજ્યોને થનાર નુકસાનની રકમ ચૂકવવામાં આવશે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સમયગાળો પૂરો થતાં જ હવે રાજ્યોએ કેન્દ્ર પાસેથી મળતા વળતરની રકમથી હાથ ધોવા પડશે. ત્યારે કરોડો રૂપિયાની આવક બંધ થવાની પૃષ્ઠભૂમિ પર મહારાષ્ટ્રમાં હવે તેની સરફભર કરવા માટે સરકાર ટેક્સમાં વધારો કરવા બાબતે વિચાર કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.
રાજ્યના નાણાપ્રધાન અજિત પવારે એવો સંકેત આપ્યો છે. તેમણે તાજેતરમાં કહ્યું હતું કે, રાજ્યને આવકના નવા સ્ત્રોતો શોધવા પડશે. ગુરુવારે રાજ્ય કેબિનેટની બેઠકમાં આ સંદર્ભે મહત્વનો નિર્ણય લેવાય તેવી શક્યતા છે. જો રાજ્ય કેબિનેટ ટેક્સ વધારાને લીલીઝંડી આપશે તો 11 માર્ચે રજૂ થનારા રાજ્યના બજેટમાં તેની જાહેરાત થઈ શકે છે. આથી સૌ કોઈનું ધ્યાન આજની બેઠક પર કેન્દ્રિત થયું છે.
અહીં ઉલ્લેખનીય છે કે રાજ્યમાં પહેલા માત્ર સેલ્સ ટેક્સ અને લોકલ બોડી ટેક્સ(એલબીટી) હતો. મહાનગર પાલિકા, નગરપાલિકા અને નગર પંચાયતો તે મુજબ વેરો વસૂલ કરતી હતી. બાદમાં જોકે વન નેશન વન ટેક્સનો નિર્ણય લેવામાં આવ્યો અને GST અમલમાં આવ્યો. તેને હવે પાંચ વર્ષ થઈ ગયા છે. પાંચ વર્ષ દરમિયાન, કેન્દ્ર સરકાર રાજ્યોને નિશ્ચિત રકમ ચૂકવતું હતું. તે હવે બંધ થવા જઈ રહ્યું છે. તેથી રાજ્યને આવકના નવા સ્ત્રોતો શોધવા પડશે.