ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021
સોમવાર
મહાવિકાસ આઘાડીના એક પછી એક તમામ પ્રધાનોનાં કૌભાંડો ભાજપના નેતા અને ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયા બહાર લાવી રહ્યા છે. હાલમાં જ તેઓએ રાજ્યના પ્રધાન હસન મુશ્રીફના કૌભાંડનો ભાંડો ફોડયો છે. હવે અપ્પાસાહેબ નલાવડે ગડહિંગ્લજ સાકર કારખાનામાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાનો તેમણે આરોપ કર્યો છે. જેમાં 98 ટકા પૈસા મની લૉન્ડરિંગના માધ્યમથી ભેગા કર્યા હોવાના દસ્તાવેજો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને આપ્યા હોવાનો દાવો કિરીટ સોમૈયાએ કર્યો છે. આ કૌભાંડમાં હસન મુશ્રીફના જમાઈ મતીન મંગોલીનો મુખ્ય હાથ હોવાનો ગંભીર આરોપ સોમૈયાએ કરાડમાં એક પત્રકાર પરિષદમાં કર્યો છે. મતીન મંગોલીની માલિકીની બિસ્ક ઇન્ડિયા કંપનીએ અપ્પાસાહેબ નલાવડે ગડહિંગ્લજ સાકર કારખાનાની ખરીદી કરી હતી. આ કંપનીને સાકર કારખાનું ચલાવાનો કોઈ અનુભવ નથી. છતાં તેને સાકર કારખાનું વેચી દેવામાં આવ્યું હતું. આ કંપનીમાં પણ કોલકતામાં બંધ પડેલી કંપનીના નામથી બોગસ ખાતાં તૈયાર કરવામાં આવ્યાં હતાં. આ ખાતામાં પૈસા જમા કરવામાં આવ્યા હતા અને તે બિસ્ક ઇન્ડિયામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
મુશ્રીફે પોતાના જમાઈ સાથે મળીને 100 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાનો આરોપ સોમૈયાએ કર્યો હતો. હવે તેઓ પારનેર સાકર કારખાનાનું કૌભાંડ બહાર પાડશે, ત્યાર બાદ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનો સંબંધ રહેલા જરંડેશ્વર સાકર કારખાનાની પણ મુલાકાત લેવાના છે એવો દાવો પણ સોમૈયાએ કર્યો હતો.