ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 ઑક્ટોબર, 2021
ગુરુવાર
એક તરફ જ્યાં ક્રૂઝ ડ્રગ્સ કેસમાં બૉલિવુડ કિંગ શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનના પ્રકરણ ભારે ચર્ચા જગાવી છે, તો બીજી તરફ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના મુંબઈ ઝોનલના અધિકારી સમીર વાનખેડેની પણ અંગત જિંદગી જાહેર થઈ ગઈ છે. તેમના અંગત જીવનને લઈને રોજ નવા નવા દાવાઓ થઈ રહ્યા છે.
બે ઑક્ટોબરના ડ્રગ્સ પ્રકરણ સામે આવ્યું ત્યારે સમીર વાનખેડેને બાહોશ, નિષ્ઠાવાન ઈમાનદાર અને સખત ઑફિસર તરીકે તેમની ચર્ચા થઈ રહી હતી, પરંતુ હવે સમીર વાનખેડે હિંદુ છે કે મુસ્લિમ એની ચર્ચાએ જોર પકડ્યું છે. તેમને ચર્ચામાં લાવનારી વ્યક્તિ મહારાષ્ટ્ર સરકારના પ્રધાન અને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના નેતા નવાબ મલિક છે, જે શરૂઆતથી જ ક્રૂઝ ડ્રગ્સ પ્રકરણ ખોટી રીતે ઊભું કરવામાં આવેલું હોવાનો દાવો કરી રહ્યા છે. તેઓ રોજ નવા વીડિયો અને ફોટો જાહેર કરીને સમીર વાનખેડેના અંગત જીવનને જાહેરમાં લાવી રહ્યા છે.
નવાબ મલિકે 6 ઑક્ટોબરના પહેલી વખત પ્રેસ-કૉન્ફરન્સ લઈને NCB પર મહારાષ્ટ્ર સરકારને અને બૉલિવુડને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યાં હોવાનો દાવો કર્યો હતો. શરૂઆતમાં તેમણે NCB સામે છાપા મારવા બાબતે આંગળી ચીંધી હતી. આ છાપામારીમાં પ્રાઇવેટ ડિટેક્ટિવ કિરણ ગોસાવી અને ભાજપના નેતા મનીષ ભાનુશાલીના હાજર રહેવા સામે આંગળી ચીંધી હતી. બે ઑક્ટોબરના રાતના વીડિયો ટ્વીટ કરીને NCB ઑફિસમાં ગોસાવી અને ભાનુશાલીની હાજરી સામે પણ તેમણે સવાલ કર્યા હતા.
સાક્ષીદારો સામે આરોપ કરતાં અને NCBની કાર્યવાહી સામે સવાલ કરતાં નવાબ મલિકે સમીર વાનખેડેની અંગત જીવન સામે આંગળી ચીંધવાનું ચાલુ કરી દીધું હતું. સમીર વાનખેડેનાં પહેલા લગ્નના અંગત ફોટો તેમણે જાહેર કર્યા હતા. વાનખેડે પરિવારની દુબઈ અને માલદીવ્સની ટ્રિપ અને તેમના બૉલિવુડ સાથે રહેલા સંબંધો સામે પણ નવાબ મલિકે આરોપ કર્યા હતા. વાનખેડે પરિવારે નવાબ મલિકના તમામ આરોપોનું ખંડન કર્યું હતું. દરમિયાન સાક્ષીદાર કિરણ ગોસાવીના પ્રાઇવેટ બૉડીગાર્ડે આર્યનને છોડવા 25 કરોડ રૂપિયામાં સોદો થયો હોવાનો વીડિયો બહાર પાડ્યો હતો. એમાં સમીર વાનખેડેને 8 કરોડ રૂપિયા આપવામાં આવવાનું નક્કી થયું હોવાનું આ સાક્ષીદારે કહ્યું હતું.
સમીર વાનખેડે સાથે જોડાયેલા આ વિવાદ આટલેથી અટક્યો નહોતો. નવાબ મલિકે સમીર વાનખેડેનું બર્થ સર્ટિફિકેટ બહાર પાડ્યું હતું, એમાં તેમનું અસલી નામ સમીર દાઉદ વાનખેડે હોવાનું તેમ જ ધર્મ મુસ્લિમ હોવાનું લખાયું હતું.
સમીર વાનખેડે 2008ની બેચના IRS (ઇન્ટરનલ રેવન્યુ સર્વિસ) અધિકારી છે. નવાબ મલિકના આરોપ મુજબ સમીર વાનખેડે જન્મથી મુસલમાન છે, પરંતુ નોકરી મેળવવા માટે ખોટું સર્ટિફિકેટ બનાવ્યું હતું. આ આરોપ બાદ સમીર વાનખેડેનાં પહેલા લગ્નનું મૅરેજ સર્ટિફિકેટ પણ નવાબ મલિકે જાહેર કર્યું હતું. નવાબ મલિકે મૅરેજ સર્ટિફિકેટ જાહેર કર્યા બાદ કહ્યું હતું કે તેઓ સમીર વાનખેડેનો ધર્મ નહીં, પણ તેમની છેતરપિંડી બહાર લાવવા માગે છે. બનાવટી બર્થ સર્ટિફિકેટ અને તેમની ઓળખને લઈને કરવામાં આવેલા આરોપને પગલે સમીર વાનખેડેએ માનહાનિનો કેસ ગણાવ્યો હતો. તેમ જ તેમણે પોતાના પિતા હિંદુ હોઈ તેમની પૂરી વિગતો જાહેર કરી હતી. તેમ જ 2006માં સ્પેશિયલ મૅરેજ ઍક્ટ હેઠળ તેમણે લગ્ન કર્યાં હોવાનું પણ કહ્યું હતું.
મહારાષ્ટ્ર ST બસના કર્મચારીઓએ સરકાર સામે ચડાવી બાંયો, કર્મચારીઓ ઊતર્યા ભૂખહડતાલ પર, જાણો ક્યાં કેવી છે પરિસ્થિતિ
સમીર વાનખેડેના અંગત ફોટો અને અંગત વિગતો જાહેર કરવાને લઈને ભારે ટીકા થઈ રહી છે ત્યારે સમીર વાનખેડેએ પણ પોતાની અંગત વિગતો જાહેર કરીને તેમનું અને તેમનાં માતાપિતાને બદમાન કરવામાં આવી રહ્યાં હોવાનો દાવો કર્યો હતો. સમીર વાનખેડેની બીજી પત્ની અભિનેત્રી ક્રાંતિ રેડેકરે પણ પોતાના પતિ સામે કરવામાં આવેલા તમામ આરોપોને ખોટા ગણાવ્યા હતા. તેમ જ પતિ-પત્ની બંને હિંદુ હોવોનો દાવો પણ તેમણે કર્યો હતો. સમીર વાનખેડેના પિતા જ્ઞાનેશ્વરે પણ તેમના પર લગાવેલા તમામ આરોપો ખોટા ગણાવ્યા હતા.
આ દરમિયાન એક મોલવી આગળ આવ્યો છે, જેણે સમીર વાનખેડેનાં લગ્ન કરાવ્યાં હોવાનો દાવો કર્યો છે. તેણે કહ્યં હતું કે ઇસ્લામમાં બે લોકોનાં લગ્ન ત્યારે જ થાય છે, જ્યારે બંને મુસલમાન હોય. તેઓએ સમીરનાં પહેલા લગ્ન મુસ્લિમ રીતરિવાજ સાથે કરાવ્યાં હતાં. આ આરોપો સામે સમીર વાનખેડેએ ક્હ્યુ હતું કે તેઓએ મુસ્લિમ રીતરિવાર સાથે લગન કર્યાં હતાં, કારણકે તેમની માતાની ઇચ્છા હતી. તેમનાં માતા જન્મથી મુસ્લિમ હતા, પરંતુ તેઓએ લગ્ન બાદ હિંદુ ધર્મ સ્વીકારી લીધો હતો. તેઓ ધર્મનિરપેક્ષ વ્યક્તિ છે. ઈદ અને દિવાળી બંને તહેવાર ઊજવે છે. મંદિર અને મસ્જિદ બંને જગ્યાએ જાય છે. પોતાની માતાની ઇચ્છાને માન આપીને સ્પેશિયલ ઍક્ટ હેઠળ લગ્ન કરવા કોઈ ગુનો નથી એવો દાવો પણ સમીર વાનખેડે કર્યો હતો.
આ દરમિયાન નવાબ મલિકે સમીર વાનખેડે સામેના તમામ આરોપો ખોટા સાબિત થાય તો રાજકરણ છોડી દેવાની જાહેરાત કરી છે.