ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 ઑક્ટોબર, 2021
ગુરુવાર
મહારાષ્ટ્રભરના ST નિગમના કર્મચારીઓ મોંઘવારી ભથ્થું, ભાડું ભથ્થું અને રાજ્ય સરકારના કર્મચારીઓ જેવી સુવિધાઓ તેમ જ અન્ય ઘણી માગણીઓ સાથે 27 ઑક્ટોબરથી ભૂખહડતાળ પર ઊતર્યા છે. જ્યાર સુધી તેમની આ માગણીઓ નહીં સંતોષાય ત્યાર સુધી હડતાળ ચાલુ રાખવાનો નિર્ણય ST ટ્રેડ યુનિયનોની કાર્યકારી સમિતિએ કર્યો છે. ST કર્મચારીઓ ભૂખહડતાળમાં જોડાવાને કારણે રાજ્યના 11 ડેપો સંપૂર્ણપણે બંધ છે. આંદોલનના સમર્થનમાં પાલઘર વિભાગના છ ST ડેપો સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યા છે.
ST કર્મચારી ઍક્શન કમિટીના કૉલ પર પાલઘર વિભાગના ST કર્મચારીઓએ ભૂખહડતાળ શરૂ કરી છે. આ પગલે પાલઘર, બોઇસર, વસઈ, અર્નાલા અને દહાણુ ST ડેપોમાંથી બસો ચલાવવામાં આવી રહી નથી. જેના કારણે વિવિધ ડેપોમાંથી ચાલતી લાંબા અંતરની બસોને પણ અસર થઈ છે. સાથે અનેક વિભાગોમાં ST સેવા બંધ રહેતાં મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
મહારાષ્ટ્ર સ્ટેટ ST એમ્પ્લોઇઝ યુનિયનના પ્રમુખ સંદીપ શિંદેએ માહિતી આપી છે કે રાજ્ય સરકાર સાથે STના વિલીનીકરણ, વેતન અને મોંઘવારી ભથ્થામાં વધારો કરવા માટે આંદોલન ચાલી રહ્યું છે. દરરોજ આશરે 65 લાખ લોકોને સુરક્ષિત સેવાઓ આપતા ST કર્મચારીઓને સમયસર પગાર ચૂકવવામાં આવતો નથી. કોરોનાના સમયગાળા દરમિયાન 306 ST કર્મચારીઓએ જીવ ગુમાવ્યા. ST કર્મચારીઓને HPR અને DA સમયસર મળતું નથી. રાજ્યમાં દરેક સંકટ સમયે ST સ્ટાફ મોખરે હોય છે. છતાં ST કર્મચારીઓ સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે.
જો આંદોલન ટૂંક સમયમાં સમાપ્ત નહીં થાય તો દિવાળી દરમિયાન મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. હવે જોવાનું એ રહેશે કે રાજ્ય સરકાર અને વાહનવ્યવહાર પ્રધાન અનિલ પરબ દિવાળી પહેલાં ST કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકશે કે કેમ?