News Continuous Bureau | Mumbai
હાલ જેલમાં બંધ રહેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અને મહારાષ્ટ્રના લઘુમતી બાબતોના પ્રધાન નવાબ મલિકના રાજીનામાની ભાજપ દ્વારા સતત માગણી થઈ રહી છે. ત્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રમુખ શરદ પવારે મહત્વનો નિર્ણય લઈને મલિકનું રાજીનામુ લેવાને બદલે હાલ તેમના પાસે રહેલા તમામ ખાતાઓ લઈને બીજાને જવાબદારી સોંપવાનો નિર્ણય લીધો છે.
ભાજપ દ્વારા આવી રહેલા સતત દબાણ બાદ તાજેતરમાં રાષ્ટ્રવાદી કોંગ્રસે એક બેઠક યોજી હતી, જેમાં નવાબ મલિક પાસેથી રાજીનામું નહીં લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે તેમની પાસે રહેલી જવાબદારી અન્ય મંત્રીઓને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નવાબ મલિક હાલ લઘુમતી બાબતોના પ્રધાન છે. તેમની ગેરહાજરીમાં કામ ઠપ્પ છે. આ ખાતાની જવાબદારી કોને સોંપવી તે બાબતનો નિર્ણય મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે લેશે. સૂત્રોના કહેવા મુજબ કેબિનેટ પ્રધાન જિતેન્દ્ર આવ્હાડ અથવા રાજેશ ટોપેને આ જવાબદારી સોંપાઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : ખાનગી સ્કૂલોએ બાઉન્સરો રાખ્યા તો આવી બનશે. મહારાષ્ટ્ર સરકારે આપ્યો આ આદેશ…. જાણો વિગતે
એ સિવાય નવાબ મલિક હાલ ગોંદિયા અને પરભણીના પાલક પ્રધાન છે. કેબિનેટ મંત્રી ધનંજય મુંડેને પરભણી અને રાજ્યમંત્રી પ્રાજક્તા તાપુરેને ગોંદિયાના પાલકપ્રધાનના પ્રભારી તરીકે નીમવામાં આવ્યા છે. તો મુંબઈ રાષ્ટ્રવાદી કોંગ્રેસની જવાબદારી નવાબ મલિક પાસે છે, તે હવે નગરસેવિકા રાખી જાધવ અને નરેન્દ્ર રાણેને સોંપવામાં આવશે. બંનેને વર્કિંગ પ્રેસીડન્ટ બનાવવામાં આવવાના છે.
રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલના કહેવા મુજબ મલિકને કોર્ટથી રાહત મળશે એવી અમને આશા હતી. પરંતુ એવું થયું નહીં. એટલે 31 માર્ચના નાણાકીય વર્ષ પૂરું થવાની સાથે અન્ય પ્રધાનોને વૈકલ્પિક જવાબદારી સોંપવામાં આવશે.