News Continuous Bureau | Mumbai
ખાનગી સ્કૂલોમાં બાઉન્સરો રાખવા સામે મહારાષ્ટ્ર સરકારે આંખ લાલ કરી છે. તાજેતરમાં મુંબઈ, પુણે અને રાયગઢમાં સ્કૂલમાં બાઉન્સરો દ્વારા વાલીઓને ધક્કે ચઢાવવાનો બનાવ બન્યો હતો, તેની નોંધ લઈને મહારાષ્ટ્ર વિધાન પરિષદે રાજ્યના શાળા શિક્ષણ ખાતાને આવી સ્કૂલોને બાઉન્સરો રાખવા પર મનાઈ ફરમાવાનો આદેશ આપ્યો છે.
ખાનગી શાળાઓ ભલે પોતાની સિક્યોરીટી રાખે પણ સ્કૂલના મેનેજમેન્ટ કે પછી પ્રિન્સીપાલ સમક્ષ પોતાની ફરિયાદ રજૂ કરવા ઈચ્છતા વાલીઓને રોકવા તેઓ બાઉન્સરો નીમી શકે નહીં એવો આદેશ મહારાષ્ટ્ર વિધાન પરિષદે આપ્યો છે અને તેનું પાલન તમામ ખાનગી શાળાઓ કરે તે માટે રાજ્યના શાળા શિક્ષણ ખાતાને તેને લગતો આદેશ બહાર પાડવાની સૂચના પણ વિધાન પરિષદે આપી છે.
એટલું જ નહીં પણ વાલીઓની ફી, વિદ્યાર્થીઓ માટેની સવલતો અને એમની સાથે રખાતી કિન્નાખોરી જેવી ફરિયાદો પર ઝડપથી પગલાં લેવાય તે માટે એક સિસ્ટમ ગોઠવવાની સૂચના પણ વિધાન પરિષદે આપી છે.
આ સમાચાર પણ વાંચો : હવે ઓવૈસીની એ.આઈ.એમ.આઈ.એમ. અને શિવસેનાનું ગઠબંધન થશે? આ નેતાએ કહી મોટી વાત.
તાજેતરમાં જ પુણેની સ્કૂલમાં વાલીઓએ ફી ઘટાડવાની માગણી સાથે સ્કૂલના પ્રિન્સીપાલને મળવાનો આગ્રહ કરતા બાઉન્સરો તેમને મળતા રોકવા માટે ફાયબરથી લાકડીથી તેમને માર્યા હોવાનો બનાવ બન્યો હતો. આ પ્રકરણમાં પોલીસમાં ફરિયાદ પણ નોંધાઈ હતી.
આ પ્રકરણ બાદ શાળાના શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડ અને એમના અધિકારીઓની બેઠક પણ થઈ હતી, જેમાં પ્રાઈવેટ બાઉન્સરો મારપીટ પર ઉતર્યા તો તે માટે સ્કૂલ પ્રશાસનને જવાબદાર ગણવામાં આવશે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો.
 
			         
			         
                                                        