ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25, સપ્ટેમ્બર 2021
શનિવાર.
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં પહેલા નોરતાથી એટલે કે 7 ઓક્ટોબરથી તમામ ધર્મના ધાર્મિક સ્થળો ખોલી નાખવાની રાજય સરકારે જાહેરાત કરી છે. જોકે દરેક ધર્મસ્થળ પર કોરોનાને લગતા નિયમોનું સખ્તાઈપૂર્વક પાલન કરવાનું રહેશે. તેમ જ લોકો નિયમોનું પાલન કરે છે કે નહિ તે જોવાની જવાબદારી ધાર્મિક સ્થળના સંચાલકોની રહેશે એવી ચોખવટ પણ સરકારે કરી છે. જોકે સરકારે બહાર પાડેલા નિયમો એટલા આકરા છે કે મંદિરમાં જઈને પણ દર્શન કરી શકાશે કે નહીં એવા સવાલ થયા વગર રહેતા નથી. સરકારે ભક્તોની સાથે જ ધાર્મિક સ્થળોના સંચાલકો તથા મંદિરોની બહાર બેસનારા દુકાનદારો પણ નિયમો જાહેર કર્યા છે, જે નીચે મુજબ છે.
1) દરેક વ્યક્તિને માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ફરજિયાત રહેશે.
2) ધાર્મિક સ્થળો પર બે વ્યક્તિ વચ્ચે છ ફૂટનું અંતર જાળવવું પડશે.
3) 65 વર્ષથી વધુ વયના, જુદી જુદી ગંભીર બીમારી ધરાવનાર, ગર્ભવતી મહિલાઓ તથા 10 વર્ષથી નીચેના બાળકોને મંદિરે આવવું નહીં.
4) ધાર્મિક સ્થળોમાં ભક્તોને મૂર્તિને સ્પર્શ કરવાની તેમ જ પ્રસાદને મંજૂરી નથી.
5) થોડા થોડા સમયના અંતરે હાથને સેનીટાઈઝ કરતા રહેવું પડશે.
6) ધાર્મિક સ્થળના પરિસરમાં પ્રવેશ પહેલા ભક્તોએ પોતાના હાથ અને પગ સાબુથી ધોવાના રહેશે.
7) ધાર્મિક સ્થળો પર પ્રવેશ દરમિયાન ફરજિયાત રીતે હાથ સેનીટાઈઝ કરવાની સાથે જ થર્મલ સ્કીનીંગ કરાવવું પડશે. તેની વ્યવસ્થા ધાર્મિક સ્થળના મેનેજમેન્ટે કરવાની રહેશે.
8) માસ્ક પહેરવું ફરજિયાત છે. આ દરમિયાન ઉધરસ અથવા છીંક આવે તો તુરંત મોં પર રૂમાલ અથવા હાથ રાખી દેવાનો રહેશે.
9) ધાર્મિક સ્થળોની જગ્યા પર થૂંકવા પર સખત પ્રતિબંધ હશે. થૂંકનારા પાસેથી દંડ વસૂલ કરાશે.
10) ધાર્મિક સ્થળોમાં ચપ્પલ, બૂટ પહેરી જવાની મંજૂરી રહેશે નહીં.
11) કોઈને આરોગ્ય સંબંધી તકલીફ જણાશે તો ધાર્મિક સ્થળ પર આવવું નહીં અને તુરંત રાજયની અથવા જિલ્લાની હેલ્પલાઈન પર સંપર્ક કરવાનો રહેશે.
12) ધાર્મિક સ્થળોના મેનેજમેન્ટ દ્વારા કોવિડને લગતી જનજાગૃતિ કરતા હોર્ડિગ્સ લગાવવા પડશે. સાથે જ ઓડિયો અને વિડીયો દ્વારા પણ લોકોમાં કોરોનાને લઈને જનજાગૃતિ ફેલાવવી પડશે.
13) એકીસાથે ભીડ જમા થાય નહીં તેની કાળજી મેનેજમેન્ટે લેવાની રહેશે. ભક્તોને ટાઈમ સ્લોટ મુજબ જ પ્રવેશ આપવાનો રહેશે.
14) ભક્તો માટે એન્ટ્રી અને એક્ઝિટ અલગ અલગ રાખવા ફરજિયાત રહેશે.
15) કોરોનાનો ચેપ ફેલાવાની શકયતાને પગલે ધાર્મિક સ્થળોમાં સમૂહમાં ભજન તથા ગીતો ગાવાની મંજૂરી નહીં મળશે.
16) પાર્કિગ પ્લોટમાં તથા શૌચાલયોમાં ભીડ થાય નહીં અને તેના પરિસરમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તેની જવાબદારી ભકતોની સાથે જ મેનેજમેન્ટની રહેશે.
17) ધાર્મિક સ્થળ પર કામ કરનારા કર્મચારીઓ કોરોનાને લગતા તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે. તેમ જ લોકોના વધુ સંપર્કમાં આવનારા કર્મચારીઓને અઠવાડિયામાં એક વખત કોરોનાની ટેસ્ટ કરવાની રહેશે.
18) સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે માટે સંબંધિત સ્થળો પર લાઈનમાં ઊભા રહેનારા માટે અને સીટ પર બેસનારાઓ માટે પ્રોપર માર્કિંગ સિસ્ટમ રાખવી પડશે.
19) ધાર્મિક સ્થળના પરિસરમાં આવેલી દુકાનો, સ્ટોલ તથા હોટલોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તેની તકેદારી લેવી પડશે.
કૉન્ગ્રેસમાં કલહ : અશોક ગહલોતને આડે હાથ લીધા કૅપ્ટન અમરિંદર સિંહે, કહી આ મોટી વાત; જાણો વિગત