ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21, સપ્ટેમ્બર 2021
મંગળવાર.
ગણેશોત્સવ દરમિયાન પર્યાવરણનું રક્ષણ અને તેનું જતન કરવામાં મહારાષ્ટ્રનું લાતુર શહેર સૌથી આગળ છે. નવાઈ લાગે એમ છે,પણ આ શહેરમાં ગણેશમૂર્તિઓનું વિસર્જન કરવાને બદલે તેને સાચવી રાખવામાં આવે છે. લાતુર શહેરમાં છેલ્લા ત્રણ વર્ષથી એકપણ ગણેશમૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું નથી. સળંગ ત્રણ વર્ષથી અહીં 100 ટકા મૂર્તિઓ પાલિકા પાસે જમા કરવામાં આવી રહી છે. લાતુર પાલિકા પ્રશાસનની અપીલને પગલે શહેરવાસીઓએ પોતાની મૂર્તિઓનું વિસર્જન કરવાને બદલે તેને મૂર્તિ સંકલન કેન્દ્રમાં જમા કરી આવે છે.
મહારાષ્ટ્ર આખું પાણી પાણી… આટલા ટકા વધુ વરસાદ થયો. જાણો કયા જિલ્લામાં કેટલા ટકા વધુ મેઘ વરસ્યા…
લાતુર શહેરના મેયર વિક્રાંત ગોજગુંડેના કહેવા મુજબ પર્યાવરણનું રક્ષણ અને પ્રદૂષણ ટાળવા માટે ગણેશમૂર્તિનું વિસર્જન નહીં કરતા તેને પાલિકાના મૂર્તિ સંકલનમાં જમા કરવાની લોકોને અપીલ કરવામાં આવી હતી. જેને લોકોએ ભરપૂર પ્રતિસાદ આપ્યો હતો. છેલ્લા ત્રણ વર્ષથી પાલિકાનો આ ઉપક્રમ ચાલે છે. જેમાં આ વર્ષે લોકોએ 100 ટકા મૂર્તિને પાલિકા પાસે જમા કરાવી હતી. પાલિકાએ શહેરમાં મૂર્તિ ભેગી કરવા માટે 16 કેન્દ્ર ઊભા કર્યા હતા. મૂર્તિનું વિસર્જન નહીં કરતા તેને જમા કરનારી લાતુર પાલિકા રાજયની પહેલી એવી પાલિકા બની ગઈ છે.