ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 13 ડિસેમ્બર 2021
સોમવાર.
વડાપ્રધાન મોદી ૧૩ ડિસેમ્બરે કાશી પહોંચી પહેલાં કાશીના કોતવાલ બાબા કાલભૈરવના દરબારમાં હાજરી આપશે. અહીંથી રાજઘાટ જશે. પછી ક્રૂઝથી લલિતા ઘાટ જશે. માતા ગંગાને સ્પર્શ કરી લોટામાં જળ ભરી પગપાળા કોરિડોરના માર્ગે શ્રીકાશી વિશ્વનાથ ગર્ભગૃહમાં પહોંચશે. જ્યાં બાબાનો અભિષેક કર્યા બાદ લગભગ ૨ કલાકની પૂજામાં ભાગ લેશે. તેના પછી કોરિડોરનું લોકાર્પણ કરશે. ૧૩ ડિસેમ્બરે ૭ લાખ મકાનો સુધી પુસ્તિકા તથા પ્રસાદ વિતરણનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમને દેશભરનાં ૧૫,૪૪૪ મંડલોમાં ૫૧ હજાર સ્થળોએ લાઇવ બતાવાશે. જેમાં દરેક સ્થળે ૫૦૦થી ૭૦૦ લોકો કાર્યક્રમમાં ભાગ લેશે. ૧૩ તારીખનો કાર્યક્રમ ૧૩૫ કરોડ લોકોને જાેડવાનું કાર્ય હશે. ૧૧ અન્ય જ્યોતિર્લિંગોમાં સંપૂર્ણ લોકાર્પણ કાર્યક્રમનું લાઇવ પ્રસારણ કરાશે.શ્રીકાશી વિશ્વનાથ કોરિડોર ભક્તોને તેની દિવ્યતાનો અહેસાસ કરાવવા તૈયાર છે. સોમવારે પીએમ મોદી તેને પ્રજાને સમર્પિત કરશે. શિવની નગરી કાશીમાં ૧૨,૧૩ અને ૧૪ ડિસેમ્બરે દેવદિવાળી જેવો માહોલ દેખાશે. કાશીનાં તમામ મુખ્ય મંદિરોનો વિશેષ શણગાર કરવામાં આવી રહ્યો છે. ૧૩ ડિસેમ્બરે દરેક ઘરમાં દીપ પ્રજ્જ્વલિત કરાશે. તેના માટે યુદ્ધસ્તરે તૈયારીઓ ચાલી રહી છે. સંપૂર્ણ કોરિડોરને બાબા વિશ્વનાથની પસંદગીનાં ફૂલોથી શણગારાયો છે. તેના માટે મદાર, ગુલાબ, ગલગોટાનાં ફૂલોનો સપ્લાય બીજાં રાજ્યોથી કરાઈ રહ્યો છે. લોકાર્પણ બાદ કાશીનાં દરેક ઘરમાં બાબાનો પ્રસાદ મોકલવાની વ્યવસ્થા કરાઈ રહી છે. આ લોકાર્પણને અપૂર્વ અને ઐતિહાસિક બનાવવા કાશીનાં દરેક ઘરમાં ઉત્સવ જેવો માહોલ હશે. તમામ ઘરોમાં દીપ પ્રજ્જ્વલિત અને દેવદિવાળી જેવાં દૃશ્યો જાેવા મળશે. તેના માટે સમગ્ર કાશીને તૈયાર કરાઈ રહ્યું છે. કાશીમાં ઉત્સવનો માહોલ બને તે માટે પ્રભાતફેરી, મંદિરોમાં સવાર-સાંજ વિશેષ ભજન-કીર્તન ચાલી રહ્યાં છે. સાંસ્કૃતિક આયોજનોના સહપ્રભારી અશ્વની પાંડેએ કહ્યું કે તમામ રસ્તા, ચાર રસ્તા, મંદિરો, ગંગાકિનારે ભવ્ય શણગારની તૈયારી કરાઈ રહી છે. ગંગાના કિનારાઓને લાઇટિંગ અને દીપથી શણગારાશે. બોટ અને ગંગાકિનારાની ઈમારતો પર વિશેષ લાઈટિંગ કરાશે. લોકાર્પણના દિવસે સોમવારે ૫ લાખ ઘરો સુધી સંપર્ક સાધી દીપ પ્રજ્જ્વલિત કરવા આહવાન કરાશે. કાર્યક્રમને ભવ્ય બનાવવા દેશભરના સંત, મહાત્મા, વિદ્વતજન આવવાના છે. ૧૪મીએ ભાજપશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓનું સંમેલન પણ કાશીમાં યોજાશે. ૧૭મીએ દેશભરના તમામ મેયર કાશી પહોંચી રહ્યા છે. તેનાથી કોરિડોરને પ્રસિદ્ધિ મળશે. બીજી બાજુ યુપી ચૂંટણી પૂર્વે કોરિડોરનું લોકાર્પણ કરી એક નવું મોડલ રજૂ કરવાની તૈયારી છે. બીએચયુના રાજકીય વિજ્ઞાન વિભાગના ડીન પ્રોફેસર કૌશલ કિશોર મિશ્રા કહે છે કે મોદીએ આ કોરિડોર બનાવી સનાતન ધર્માવલંબીઓમાં છબિ મજબૂત કરી છે. સરકાર તેને પૂરું કરી ચૂંટણીમાં મોડલ પ્રસ્તુત કરશે. મોદીએ ૮ માર્ચ ૨૦૧૯ના રોજ શ્રીકાશી વિશ્વનાથ ધામની આધારશિલા મૂકી હતી. તે સમયે કોરિડોર પર લગભગ ૩૩૯ કરોડ રૂપિયા ખર્ચ કરવાની યોજના બનાવાઈ હતી.