ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૮ જુલાઈ, ૨૦૨૧
બુધવાર
તાનાજી માલુસરે, જેમણે કોંઢાણા કિલ્લાને સર કરી તેને સિંહગઢ જેવું સાર્થક નામ આપ્યું હતું, તેવા આ વીરનું ઉમરાઠ ગામ આજે ભયની છાયામાં જીવી રહ્યું છે. પોલાદપુર તાલુકાનું ઐતિહાસિક ધરોહર ધરાવતું આ ગામ આ વર્ષે થયેલા ભારે વરસાદને કારણે નાશ પામ્યું છે. ગામમાં સહ્યાદ્રીની ટેકરીઓ પરથી ભેખડો પડતાં ગ્રામજનોના જીવ જોખમમાં મુકાયા છે.
ઉપરાંત પાકને ભારે નુકસાન થયું છે. વીજપુરવઠો ખોરવાયો છે, કોઈ સરકારી અધિકારીએ જરૂરી પગલાં લેવા ગામમાં દેખા દીધી નથી. રાયગઢ જિલ્લાના પોલાદપુરથી 17 કિમીના અંતરે ઉમરાઠ ગામ આવેલું છે. દોઢથી બે હજાર લોકોની વસ્તીવાળા આ ગામનાં ૩૫ ઘર એવા વિસ્તારમાં છે જ્યાં ભેખડો પડવાની શક્યતા વધુ છે. સહ્યાદ્રી પર્વતમાળા ગામમાંથી પસાર થાય છે અને છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદને કારણે આ પર્વત પરથી મોટી સંખ્યામાં ભૂસ્ખલનને કારણે ભેખડો પડ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
ઉલ્લેખનીય છે કે ગામમાં તાનાજી માલુસરેનું ભવ્ય સ્મારક છે અને એમાં તાનાજીની પૂર્ણ કદની પ્રતિમા છે. વીજપુરવઠો ખોરવાઈ જતાં ગામનો વ્યવહારો અટવાઈ ગયો છે. આ ગામને જોડતા પુલો ધરાશાયી થયા છે. ગામની આસપાસના રસ્તાઓ ભૂગર્ભમાં સમાઈ ગયા હોય એવું દૃશ્ય નિર્માણ થયું છે અને કાદવનાં તળાવો બની ગયાં છે. ઉપરાંત નેટવર્કની સમસ્યા પણ નિર્માણ થઈ હોવાથી ગામ સાથેના સંપર્ક તૂટી ગયા હોવાનું જણાય છે.