ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 જૂન 2021
બુધવારે
મહારાષ્ટ્રમાં કોરોનાના સારવારના દર માટે શહેરના દરજ્જા અનુસાર વર્ગીકરણ કરવામાં આવ્યું છે. અ,બ, ક,એ ગ્રુપમાં શહેર અને ગામોની વહેંચણી કરવામાં આવી છે. એથી હવે શહેર અને ગ્રામીણ ભાગમાં કોરાનાની સારવારના દર અલગ-અલગ હશે. ગ્રામીણ ભાગમાં ઓછા ખર્ચમાં સારવાર શક્ય બનશે. જોકે સરકારી આદેશ મુજબ ખાનગી હૉસ્પિટલો મનફાવે એવા દર વસૂલ કરી શકશે નહીં.
મહારાષ્ટ્ર રાજ્યની ખાનગી હૉસ્પિટલમાં કોરોનાની સારવાર માટે 80 ટકા પલંગ માટે સરકારે દર નક્કી કર્યા હતા, તો બાકીના 20 ટકા પલંગ માટે ખાનગી હૉસ્પિટલે નક્કી કરેલા દર મુજબ ફી વસૂલ કરવામાં આવતી હતી. એ માટેની સરકારની અધિસૂચનાની મુદત મંગળવારે પૂરી થઈ હતી. આજથી એ મુદતમાં વધારો કરવામાં આવ્યો છે, પણ શહેરના વર્ગીકરણ મુજબ એમાં સુધારો કરવામાં આવ્યો છે.
વિદેશથી વેક્સિન મેળવવાની મહારાષ્ટ્ર સરકાર અને BMCની આશા પર શું પાણી ફરી વળશે? જાણો વિગત
કોરોનાની બીજી લહેરનો સૌથી વધુ ફટકો ગ્રામીણ વિસ્તારને પડ્યો છે. ખાનગી હૉસ્પિટલો ગ્રામીણ વિસ્તારમાં દર્દી પાસેથી મનફાવે એવા ભાવ વસૂલ ના કરે એ માટે સરકારે અધિસૂચના બહાર પાડી છે. એ મુજબ શહેરનું વર્ગીકરણ કરીને દર નક્કી કરવામાં આવ્યા છે. વીમા કંપની અને વિવિધ પ્રકારના ભથ્થાં આપતાં સમયે જે પ્રમાણે શહેરનું વર્ગીકરણ કરવામાં આવે છે. એ આધાર પર જ વર્ગીકરણ અને સંબંધિત સારવારના દર નક્કી કરવામાં આવ્યા હોવાનું મહારાષ્ટ્રના આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું હતું. એથી ગ્રામીણ વિસ્તારમાં સારવારનો ખર્ચ ઓછો થશે. નક્કી કરેલા દરથી વધુ રકમ વસૂલ કરનારી હૉસ્પિટલ સામે પગલાં લેવાની સંબંધિત પાલિકા અને જિલ્લા કલેક્ટરોને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સૂચના આપી છે.