ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 06 સપ્ટેમ્બર, 2021
સોમવાર
હિમાચલ પ્રદેશમાં આવેલ પર્યટન સ્થળ શિમલામાં ફરી એક વાર ભૂસ્ખલન થયું છે. શિમલા જિલ્લામાં આવેલ રામપુર ઉપમંડલ પાસે આવેલ નૅશનલ હાઈવે નંબર 5 પર આ ભૂસ્ખલનનો બનાવ સામે આવ્યો છે. સવારના સમયે અહીંયાં એકાએક પહાડો પરથી ભેખડો ધસી પડવાનો સિલસિલો શરૂ થયો જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સાથે જ હાઈવે પર પણ ભારે ટ્રાફિક જામ થઈ ગયો છે.
અગાઉ જ્યારે ભૂસ્ખલન થયું હતું ત્યારે તે ઘટનામાં કુલ 25 લોકોનાં મોત થયાં હતાં. જોકે આ વખતે જે ભૂસ્ખલનની ઘટના બની છે. એમાં જાનમાલને નુકસાન થયું હોય એવી કોઈ માહિતી સામે નથી આવી, પરંતુ રસ્તા પર ભારે માત્રામાં કાટમાળ પડવાને કારણે હાઈવે બ્લૉક થઈ ગયો છે. જેના કારણે ત્યાં ભારે ટ્રાફિક જામ સર્જાયો છે.
ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ અગાઉ પણ કિન્નોરમાં એક ભૂસ્ખલનનો બનાવ બન્યો હતો, ત્યારે પણ આજ રીતે પહાડો પરથી કાટમાળ પડ્યો હતો, જેમાં ઘણા લોકો ફસાઈ ગયા હતા. આ ઘટના ઑગસ્ટ મહિનાના શરૂઆતમાં ઘટી હતી અને ફરી એક મહિનામાં અહીં ભૂસ્ખલનનો મામલો સામે આવ્યો છે.
હિમાચલ પ્રદેશના પર્યટન સ્થળ શિમલામાં નૅશનલ હાઇવે 5 પર થયું ભૂસ્ખલન, ભારે માત્રામાં ભેખડો ધસી પડતાં રસ્તા પર ટ્રાફિક જામ; જુઓ વીડિયો..#HimachalPradesh #shimla #landslide pic.twitter.com/uyZPK2jim7
— news continuous (@NewsContinuous) September 6, 2021