ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 જુલાઈ ૨૦૨૧
શનિવાર
મહારાષ્ટ્રની રાજનીતિમાં બંધ બારણે કંઈક રંધાઈ રહ્યું છે. રાજ્યમાં ગુપ્ત બેઠકનો સિલસિલો હવે શિવસેના-ભાજપ સુધી પહોંચી ગયો છે. આજે શિવસેનાના સાંસદ સંજય રાઉત અને ભાજપના ધારાસભ્ય આશિષ શેલાર વચ્ચે અચાનક ગુપ્ત બેઠક યોજાઈ હતી. બંને નેતાઓની મુલાકાત મુંબઈના નરીમન પૉઇન્ટ વિસ્તારમાં થઈ હતી. બંનેએ લગભગ અડધા કલાક સુધી ચર્ચા સુધી ચર્ચા થઈ હોવાના સમાચાર છે.
હકીકતે આ બંને નેતાઓની એકસાથે ગાડી એક મરાઠી ન્યૂઝ ચૅનલના કૅમેરામાં કેદ થઈ હતી અને આ ગુપ્ત બેઠકના સમાચાર સામે આવ્યા હતા. છેલ્લા અઠવાડિયાથી નેતાઓ બંધ બારણે બેઠકો યોજી રહ્યા છે. એથી મહારાષ્ટ્રની રાજનીતિમાં કંઈક મોટી હલચલ થવાનું સાફ જણાઈ આવે છે. આ અગાઉ સંજય રાઉતે NCPના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ સંજય રાઉત મુખ્ય પ્રધાનને મળવા ગયા હતા. ત્યાંથી તેઓ તરત જ NCP અધ્યક્ષ શરદ પવારને પણ મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે પણ ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ટેલિફોનના માધ્યમે સહભાગી થયા હતા. આ બેઠક લગભગ બે કલાક ચાલી હતી. હવે મહારાષ્ટ્રનું રાજકારણ આગામી કેટલાક દિવસ ગરમાયેલું રહેશે એમાં કોઈ નવાઈ નથી.