News Continuous Bureau | Mumbai
આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ થયાના પહેલા જ દિવસે અપશુકન થયા છે. સરકારે કોરોનાની ત્રીજી લહેર ઓસરતાં 27 માર્ચથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરી છે. તેથી આજથી એટલે 28 માર્ચથી તમામ પ્રકારની ફ્લાઈટ શરૂ થઈ રહી છે. પરંતુ તે પહેલા જ એક મોટી દુર્ઘટના થતા રહી ગઈ છે.
દિલ્હી એરપોર્ટ પર વધુ એક વાર મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ છે. પ્રાપ્ત જાણકારી મુજબ પુશઅપ દરમિયાન સ્પાઈસજેટ નું એક વિમાન વીજળીના થાંભલા સાથે ટકરાયું હતું. જોકે રાહતની વાત છે કે તેનાથી કોઈ મોટું નુકસાન થયું નથી. અથડામણને કારણે ફ્લાઇટના એક ભાગને નુકસાન થયું હતું. જ્યારે વીજળીનો થાંભલો પણ સાવ નીચેની તરફ વળી ગયો હતો.
કહેવામાં આવી રહ્યું છે કે સ્પાઈસજેટના વિમાનને જ્યારે ટર્મિનલ પરથી રનવે પર લઈ જવાઈ રહ્યું હતું ત્યારે આ ઘટના બની હતી. વિમાન એટલી જોરથી થાંભલા સાથે ટકરાયું કે તેમાં બેઠેલા પ્રવાસીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા પરંતુ સદનસીબે આ દુર્ઘટનામાં કોઈને ઊની આંચ આવી નથી.તમામ પ્રવાસીઓ સલામત છે. આ ઘટના બાદ તમામ પ્રવાસીઓને બીજા વિમાનમાં શિફ્ટ કરી દેવાયા હતા. ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આશરે બે વર્ષ બાદ આજથી દેશ અને વિદેશમાં તમામ ફ્લાઈટ હમેંશ મુજબ શરુ થઈ છે. આ પહેલા પણ અનેક વાર દિલ્હી એરપોર્ટ પર આવી દુર્ઘટના થઈ છે.