ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 જૂન ૨૦૨૧
શનિવાર
અલાહાબાદ હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ દિલીપ ભોસલેની અધ્યક્ષતાવાળી સમિતિએ મહારાષ્ટ્રની રાજ્ય સરકારને મરાઠા અનામત અંગેના સુપ્રીમ કોર્ટના નિર્ણયને સમીક્ષા અરજી (રિવ્યુ પિટિશન) દ્વારા પડકારવાની ભલામણ કરી છે. રાજ્યના જાહેર બાંધકામ પ્રધાન અને મરાઠા અનામત અંગેની કૅબિનેટ પેટાસમિતિના અધ્યક્ષ અશોક ચવ્હાણે આ માહિતી મીડિયાને આપી હતી.
રાજ્ય સરકારે મરાઠા અનામત અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયનો અભ્યાસ કરવા અને આગળના કાનૂની વિકલ્પો અંગે ભલામણો કરવા માટે અલાહાબાદ હાઈકોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ દિલીપ ભોસલેની અધ્યક્ષતાવાળી કાનૂની નિષ્ણાતોની સમિતિની રચના કરી હતી. સમિતિએ શુક્રવારે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પોતાનો અહેવાલ આપ્યો હતો. અહેવાલ વિશે મીડિયા સાથે વાત કરતાં અશોક ચવ્હાણે કહ્યું હતું કે, 40થી વધુ કાનૂની મુદ્દાઓને આધારે રિવ્યુ પિટિશન દાખલ કરાશે. સમિતિએ રાજ્ય સરકારને સૂચન આપ્યું છે કે બે મોટા કાયદાકીય મુદ્દાઓ, 50 ટકા અનામતમર્યાદા અને 102માં સુધારા, મરાઠા અનામતનો સૌથી મોટો અવરોધ છે.
મરાઠા અનામતનો આગામી માર્ગ હવે સ્પષ્ટ થઈ ગયો છે. કેન્દ્ર સરકારે પણ 102માં સુધારણા સુધી મર્યાદિત ફેરવિચારણા અરજી દાખલ કરી છે. જોકેકેન્દ્રની પુનર્વિચાર અરજી મરાઠા અનામતને ન્યાય આપવા માટે પૂરતી નથી.