ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 25 ઑક્ટોબર, 2021
સોમવાર
મુંબઈની ક્રૂઝ રેવ પાર્ટીમાં હવે ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. આર્યન ખાનના ડ્રગ્સ કેસમાં હાલ ફરાર રહેલો મુખ્ય સાક્ષીદાર કિરણ ગોસાવીના બૉર્ડીગાર્ડ પ્રભાકર સાઈલે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB) પર કરેલા આરોપથી ખળભળાટ મચી ગયો છે. પ્રભાકરે વીડિયોમાં કરેલા દાવા મુજબ NCBએ આર્યનને છોડી મૂકવા માટે બૉલિવુડ કિંગ શાહરુખ ખાન પાસેથી 25 કરોડ રૂપિયાની ડિમાન્ડ કરી હતી. એમાંથી NCB ઝોનલ અધિકારી સમીર વાનખેડેને 8 કરોડ રૂપિયા મળવાના હતા. જોકે સમીર વાનખેડેએ આ તમામ આરોપોને ફગાવી દીધા હતા.
સૌથી મોટા મુસ્લિમ દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની પુત્રી હિન્દુ ધર્મ અપનાવશે, જાણો શું છે કારણ
પ્રભાકરે પોતાનો એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં તેણે આ પૂરા પ્રકરણમાં NCB, સમીર વાનખેડે અને કિરણ ગોસાવીનો શું રોલ હતો એની વિગતો જાહેર કરી છે. સાથે જ આ કબૂલાતને કારણે તેનો જીવ જોખમમાં હોવાનું પણ તેણે કહ્યું હતું.
વીડિયોમાં પ્રભાકરે કરેલા દાવા મુજબ સમીર વાનખેડેએ તેની પાસેથી નવ-દસ કોરો કાગળ પર સાઇન કરાવી લીધી હતી. આર્યન કેસમાં ગોસાવી અને સૈમ ડી’સોઝા નામની વ્યક્તિ વચ્ચે થયેલી વાતચીત તેણે સાંભળી હતી, એ મુજબ આ કેસ 25 કરોડ રૂપિયામાં પતાવવાનો હતો. જોકે પછી 18 કરોડ રૂપિયાની ડીલ થઈ હતી. એમાં 8 કરોડ રૂપિયા સમીર વાનખેડેને આપવાના હતા. ગોસાવી અને ડી’સોઝા વચ્ચે વાતચીત થયા બાદ તે પૈસા લેવા મટે સાયન-પનવેલ હાઈવે પર વાશી બ્રિજ પાસે ગયો હતો.
અહીં ઉલ્લેખનીય છે કે હાલ ક્રૂઝ રેવ પાર્ટીના તમામ આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ આર્થર રોડ જેલમાં છે. આર્યન ખાનને જામીન મળવામાં આવી રહેલી અડચણોને કારણે શાહરુખ ખાન ચિંતિત છે. એમાં હવે સાક્ષીદાર પ્રભાકરના વીડિયોથી આ પૂરા પ્રકરણે અલગ સ્વરૂપ પકડી લીધુ છે.