ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૦ જૂન ૨૦૨૧
ગુરુવાર
ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ આજે અચાનક દિલ્હી પહોંચી ગયા છે. આજે લગભગ દોઢ કલાક કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે તેમના નિવાસસ્થાને યોગી આદિત્યનાથે મુલાકાત કરી હતી. હવે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત થશે. આ અચાનક યોજાયેલી બેઠકથી અનેક અટકળો થઈ રહી છે.
યોગી આદિત્યનાથ આજે બપોરે 3:30 વાગ્યે સ્ટેટ પ્લેનથી દિલ્હી પહોંચ્યા હતા અને સાંજે ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. હવે શુક્રવાર સવારે ૧૧ વાગ્યે યોગી વડાપ્રધાનની મુલાકાત લેશે. આ મુલાકાતમાં ઉત્તર પ્રદેશના અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. આ મુલાકાતમાં પંચાયત ચૂંટણીમાં પાર્ટીનું પ્રદર્શન, આગામી વિધાનસભા ચૂંટણી અને રસીકરણ જેવા મુદ્દાઓ પર મુખ્ય ધ્યાન હશે, એવું માનવામાં આવી રહ્યું છે.
શરમજનક; મહારાષ્ટ્રમાં વધારાનાં ૧૧ હજાર મૃત્યુ નોંધાયાં જ નથી, જાણો વિગત
અહીં ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી લખનઉના રાજકારણમાં અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. આ ચર્ચાઓના કેન્દ્રમાં બીજેપી છે. આ અગાઉ કેન્દ્રીય ટીમનો લખનઉ પ્રવાસ, યુપી પ્રભારી રાધા મોહન સિંહની રાજ્યપાલ અને વિધાનસભા અધ્યક્ષ સાથેની મુલાકાત પણ ચર્ચામાં રહ્યાં હતાં. જોકેપાર્ટી નેતૃત્વ તરફથી આ મુલાકાતોને ઔપચારિક જ ગણાવવામાં આવી અને બેઠકોને સામાન્ય પ્રક્રિયા ગણાવવામાં આવી હતી.