ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 ઑક્ટોબર, 2021
શનિવાર
છેલ્લા કેટલાક મહિનાથી થાણે શહેરમાં ફૂટપાથ અને રસ્તાઓ પર ગેરકાયદે ધંધો કરતા ફેરિયા વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. બે મહિના પહેલાં આ જ કામગીરી દરમિયાન માજીવાડા-માનપાડા વૉર્ડ સમિતિનાં આસિસ્ટન્ટ કમિશનર કલ્પિતા પિંપલે અને તેમના સુરક્ષા ગાર્ડ પર કાસરવડાવલી વિસ્તારમાં એક ફેરિયાએ છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં પિમ્પલે અને તેના સિક્યૉરિટી ગાર્ડની આંગળીઓ કપાઈ ગઈ હતી. આ ઘટના બાદ લોકોમાં ફેરિયાઓ વિરુદ્ધ રોષ જોવા મળ્યો હતો અને થાણે પાલિકાએ ગેરકાયદે ફેરિયાઓ સામે ઝુંબેશ તેજ કરી હતી. જોકે આનાથી ફેરિયાઓને બહુ અસર થઈ નથી અને તેઓ હજુ પણ પહેલાંની જેમ દાદાગીરીપૂર્વક ધંધો કરી રહ્યા છે. આનું ઉદાહરણ તાજેતરમાં ઘોડબંદરમાં જોવા મળ્યું છે.
મામલો એમ છે કે ઘોડબંદરમાં હીરાનંદાની એસ્ટેટ પાસે રોડસાઇડ હોકર્સ ધંધો ચાલુ રાખે છે. આ ડૉ. વિપિન શર્માના બંગલાની પાછળનો વિસ્તાર છે. ત્રણ દિવસ પહેલાં પાલિકાની એક ટુકડી આ વિસ્તારમાં તેમની સામે કાર્યવાહી કરવા ગઈ હતી, ત્યારે નાળિયેર વેચતા એક ફેરિયાએ સ્કવૉડના સ્ટાફને ધક્કો મારવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે તેણે ધમકી આપી કે પહેલાં આસિસ્ટન્ટ કમિશનરની આંગળી કાપવામાં આવતી હતી, હવે ગરદન કાપવામાં આવશે. જે બાદ પાલિકાના બે-ત્રણ કર્મચારીઓએ હિંમત બતાવી તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો. એ પછી ફેરિયાએ શરણાગતિ સ્વીકારી. થોડા દિવસો પૂર્વે માનપાડામાં પાલિકાના એક કર્મચારીના કાન પર ફેરિયાએ પથ્થરમારો કર્યો હતો.
કૉન્ગ્રેસની એક સાંધે ત્યાં તેર તૂટે જેવી હાલત, હવે ગુજરાતમાં આ નેતા સામે વિરોધ જાગ્યો; જાણો વિગત
આવી ઘટનાઓ અહીં અવારનવાર બનતી રહે છે. એથી ફરી એક વાર ફેરિયાઓનો મુદ્દો ગરમાયો છે.
થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ભાજપના જૂથ નેતા મનોહર ડુમ્બ્રેએ કહ્યું છે કે તેમને ઘોડબંદર વિસ્તારમાં એક ફેરિયા દ્વારા છરી વડે હુમલાના પ્રયાસની જાણ થઈ છે. આવી ઘટનાઓને રોકવા માટે નીતિ ઘડવાની જરૂર છે. પોલીસ સ્ટેશનમાં ફેરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાનો આદેશ આ ટીમને આપવામાં આવ્યો છે.