ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
ભાજપના નેતા કિરીટ સોમૈયાએ ઠાકરે સરકારના ૧૧ મંત્રીઓની યાદી તૈયાર કરી છે અને તેમના ઉપર ગંભીર ભ્રષ્ટાચારના આરોપ લગાવીને ઈડી દ્વારા તપાસ પણ શરૂ છે. એક મહિનાથી સોમૈયા સંબંધિત મંત્રીઓના મતદાર સંઘમાં જઈને તેમના ભ્રષ્ટાચારની પોલ ખોલી રહ્યા છે. સોમૈયાએ આજે પુણેમાં જરંડેશ્વર સાકર કારખાનાના ગોટાળાની સમીક્ષા કરી.
પુણેની મુલાકાત દરમિયાન સોમૈયા પુણે જિલ્લા મધ્યવર્તી સહકારી બૅન્કની પણ મુલાકાત લેશે. આ બૅન્કે જરંડેશ્વર સાકર કારખાનાને લોન આપી હતી. આઘાડી સરકારના સમયમાં અજિત પવાર આ બૅન્કના એટલે કે મહારાષ્ટ્ર રાજ્ય સરકારી કૉ-ઑપરેટિવ બૅન્કના અધ્યક્ષ હતા. એ સમયમાં બૅન્કમાં કથિત ૨૫ કરોડ રૂપિયાનો ગોટાળો થયાનો આરોપ છે. ખાસ કરીને આ કારખાનાને અજિત પવારની કારકિર્દીના સમયમાં જ ચાર સહકારી બૅન્કોએ લોન આપી છે. એમાં સતારા જિલ્લા બૅન્કનો પણ સમાવેશ છે. આ કારખાનું અજિત પવારના મામા રાજેન્દ્ર ધાડગેનું છે. તે આ બૅન્કના ચૅરમૅન છે. એથી હવે સોમૈયાનું તીર અજિત પવાર તરફ છે.
આ બાબતે મુંબઈ પોલીસની આર્થિક અપરાધ શાખાએ ૨૨મી ઑગસ્ટ, ૨૦૧૯ના રોજ ગુનો દાખલ કર્યો હતો. જેના આધારે ઈડીએ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.