News Continuous Bureau | Mumbai
શિયાળાની સિઝનમાં જુનાગઢ જિલ્લામાં ધાણા, ઘઉં, જીરું, વરિયાળી, ચણા સહિતના પાકોનું મુખ્ય વાવેતર થાય છે શિયાળામાં વાવેતર થતા તમામ પાકમાં ઠંડીની ખૂબ જ જરૂરિયાત રહે છે. પરંતુ હાલ ઠંડીનું પ્રમાણ અને ઠંડીના દિવસો સતત ઘટી રહ્યા છે જે રવિપાક પર ખૂબ જ અસર કરતા સાબિત થાય છે. ઠંડી નહીં પડવાના કારણે ઘઉંમાં પીળીયા નામનો રોગ આવે છે. જેથી ઘઉં સંપૂર્ણ પીળાશ પર આવી જાય છે. તેમ જ ઉત્પાદનમાં ઘટાડો અને કવોલેટી નબળી પડી જાય છે. બાગાયત પાકમાં આંબા પર હાલ ફ્લાવરિંગની સિઝન ચાલી રહી છે. તેને જરૂર કરતાં વધુ ઠંડી કે ગરમી મળે તો ફ્લાવરિંગમાં ફૂગ અને મગીયો આવી જવાના કારણે ફ્લાવરિંગ જ ઘટી જાય છે હાલ ઠંડી પડવાને બદલે દિવસે ગરમી પડી રહી છે.
બાગાયતના મુખ્ય પાકમાં અત્યારે આંબા પર ઠંડીને બદલે ગરમીની ખૂબ જ અસર વર્તાઈ રહી છે. ફ્લાવરિંગ સમયસર ન થવું ઓછું થવું અને આવેલા ફ્લાવરિંગમાં રોગ જીવાત આવવાના કારણે કેરીના પાક પર અસર થાય તેમ છે. ધાણાજીરું ઘઉંના પાકમાં જરૂરિયાત મુજબની ઠંડી નહીં પડવાના કારણે ભૂકીછારો આવી જાય છે. મકાઈ સહિતના ધાન્ય પાકોમાં ઇયળો આવી જાય છે. શિયાળાની સીઝન હોવા છતાં હાલ ભેજવાળું અને વાદળછાયું વાતાવરણ હોવાના કારણે તમામ રવિ પાકોમાં ઉત્પાદન અને કવોલેટી પર અસર થઈ રહી હોવાનું કૃષિ નિષ્ણાંતે જણાવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો: પાકિસ્તાન નું ડીફોલ્ટર થી બચવું મુશ્કેલ જ નથી પરંતુ નામુનકીન, જાણો કેમ