મહારાષ્ટ્ર્ના જિલ્લા નાગપુરમાં પોલીસે 9 માર્ચથી એટલે કે આજથી 30 એપ્રિલ સુધી શહેરના રસ્તાઓ, ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ માટે નાગપુર પોલીસે સીઆરપીસી કલમ-144 હેઠળ એક સૂચના બહાર પાડી છે, જે વ્યક્તિઓ અથવા જૂથોને ભીખ માંગવા અથવા પસાર થતા લોકોને પૈસા ચૂકવવા દબાણ કરવા પર પ્રતિબંધ મૂકે છે. નાગપુર પોલીસ દ્વારા જારી કરવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ ભિખારી અથવા અન્ય કોઈ વ્યક્તિ પ્રતિબંધિત આદેશોનું ઉલ્લંઘન કરશે તો તેની વિરુદ્ધ આઈપીસીની કલમ 188 હેઠળ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.
ભિખારીઓ પર પ્રતિબંધ શા માટે?
જો ભિખારીઓ ભીખ માંગતા પકડાશે તો તેમની સામે પોલીસમાં કેસ નોંધવામાં આવશે. શહેરમાં 9 માર્ચથી 30 એપ્રિલ સુધી રસ્તાઓ, ટ્રાફિક સિગ્નલ અને આંતરછેદ પર ભીખ માંગવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભિખારીઓ જાહેર સ્થળોએ ભેગા થાય છે અને ટ્રાફિકને અવરોધે છે. આવા ભિખારીઓ સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : હાશ.. મુંબઈમાં ક્લીન અપ માર્શલોની દાદાગીરી ખતમ, પાલિકાએ હવે શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી આ લોકોને સોંપી.
જણાવી દઈએ કે માર્ચમાં G-20 મીટિંગ માટે લગભગ 200 વિદેશી મહેમાનો નાગપુર આવશે. જોકે આ નિર્ણય માત્ર 19 અને 20 માર્ચે યોજાનારા G20 અને C20ને કારણે નથી લેવાયો પરંતુ આ આદેશનો ઉદ્દેશ્ય જનતા માટે ઉપદ્વવ અને જોખમને ઘટાડવા માટે અને રોકવા માટે છે. આ આદેશથી સામાન્ય પરિસ્થિત જળવાઈ રહેશે અને લોકો શાંતિથી અવરજવર કરી શકશે.