ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,14 જાન્યુઆરી 2022
શુક્રવાર.
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસમાં ચાર દિવસ બાદ બુધવારે ફરી એકવાર ઉછાળો આવ્યો છે. બુધવારે મુંબઈ શહેરમાં ૧૬,૪૨૦ નવા કેસ નોંધાયા હતા. આ નવા કેસ સાથે પોઝિટિવિટી રેટ પણ ૧૮.૭ ટકાથી વધીને બુધવારે ૨૪.૩ ટકા થઈ ગયો છે. જ્યારે મહારાષ્ટ્ર રાજ્યમાં પણ નવા કેસોમાં ૩૫.૭ ટકાનો વધારો નોંધાયો છે.
વધતા કોરોના કેસ અને ઓમિક્રોનના જોખમ ને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રસીકરણ ઝડપી બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. મુંબઈની સાથે હવે ગ્રામીણ વિસ્તારોમાં પણ ત્રીજી લહેરની અસર જોવા મળી રહી છે. આ ઉપરાંત રાજ્યમાં પોલીસ કર્મીઓ પણ મોટી સંખ્યામાં કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. બુધવારે વધુ ૨૬૪ પોલીસકર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ સંક્રમિત પોલીસકર્મીઓની સંખ્યા ૨૧૪૫ પર પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં માત્ર મુંબઈના જ ૧૨૬ પોલીસ જવાનોના કોરોનાને કારણે મોત થયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. રાજ્યમાં મંગળવારે કોરોનાથી ૨૨ લોકોના મોત થયા હતા. જ્યારે બુધવારે આ સંખ્યા વધીને આંકડો ૩૨ પર પહોંચી ગયો હતો.
કોરોનાના વધતા જતા કેસો વચ્ચે મહારાષ્ટ્ર વેક્સિનની અછતનો પણ સામનો કરી રહ્યુ છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ આ માહિતી આપી હતી. રાજેશ ટોપેએ જણાવ્યુ હતું કે, બાળકો માટે રસીકરણ, બૂસ્ટર ડોઝ અને ફ્રન્ટલાઈન આરોગ્ય કર્મચારીઓના રસીકરણને કારણે રાજ્યમાં રસીની અછત વર્તાઈ રહી છે. અમે કેન્દ્ર સરકાર પાસે ૫૦ લાખ કોવશિલ્ડ અને ૪૦ લાખ કોવેક્સીન ડોઝ માગ્યા છે.
Join Our WhatsApp Community