ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 ફેબ્રુઆરી 2022
બુધવાર.
તાજેતરમાં ઠાકરે સરકાર દ્વારા સુપર માર્કેટમાં વાઈન વેચવાનો વિવાદાસ્પદ નિર્ણય હવે પાછો લેવાય તેવી શક્યતા છે. આજે એનસીપી પ્રમુખ શરદ પવારે મીડિયાને આપેલા નિવેદનથી ચર્ચા શરૂ થઈ છે. રાજ્ય સરકારના આ નિર્ણયનો વિવિધ સ્તરે વિરોધ થઈ રહ્યો છે. વિરોધ પક્ષોએ વિધાનસભાનો બહિષ્કાર કરવાની હાકલ કરી હતી. ત્યારે હવે NCP સુપ્રીમો શરદ પવારે રાજ્ય સરકારના આ નિર્ણય પર ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારના નિર્ણયનો વિરોધ એ ચિંતાનો વિષય નથી, જો નિર્ણય બદલાય તો પણ બહુ ફરક નહીં પડે.
વાત એમ છે કે મીડિયાએ વાઈનના વેચાણ મુદ્દે શરદ પવારને સવાલ કર્યા હતા. આ પ્રશ્નનો જવાબ આપતા શરદ પવારે કહ્યું હતું કે, "રાજ્ય સરકાર દ્વારા સુપરમાર્કેટમાં વાઇન વેચવા માટે આપવામાં આવેલી પરવાનગી અને તેનો વિરોધ કોઈ મોટી ચિંતાનો વિષય નથી. જો સરકારના નિર્ણયનો અનેક સ્તરે વિરોધ થઈ રહ્યો છે અને રાજ્ય સરકારે આ અંગે પોતાનો નિર્ણય બદલ્યો તો મને તેનાથી ખરાબ લાગવાનું નથી. એમાં કંઈ ખોટું નથી. એવું શરદ પવારે કહ્યું છે.
આગળ તેમણે કહ્યું કે દેશભરના તમામ રાજ્યોમાં દુકાનોમાં દારૂ વેચાય છે. જોકે વાઇનનો વપરાશ પ્રમાણમાં ઓછો છે. દેશમાં સૌથી વધુ દ્રાક્ષનું ઉત્પાદન નાસિક જિલ્લામાં થાય છે. નાસિકમાં 18 વાઈનરી છે, જેનો અર્થ એ છે કે ત્યાંના દ્રાક્ષ ઉત્પાદકોને ફાયદો થઇ શકે છે. વાઇન અને લિકર વચ્ચેના તફાવતની ભૂમિકાને ધ્યાનમાં લેવી જોઈએ. પણ એવું થયું નહીં. જો આ નિર્ણયનો વિરોધ હોય તો રાજ્ય સરકાર આ અંગે અલગ નિર્ણય લે તો પણ મારી પાસે તેનો વિરોધ કરવાનું કોઈ કારણ નથી, એમ શરદ પવારે જણાવ્યું હતું. તેથી હવે ઠાકરે સરકાર પોતાનો નિર્ણય પાછો ખેંચશે કે કેમ તેના પર સૌની નજર ટકેલી છે.