News Continuous Bureau | Mumbai
માયાનગરી મુંબઈની આરાધ્યા દેવી મુંબા દેવીના મંદિરના સ્થાપના દિવસની આજે ભવ્ય ઉજવણી થઈ રહી છે. મુંબઈ શહેરનું નામ મુંબા દેવીના નામ પરથી જ રખાયું હોવાનો ઐતિહાસિક ઉલ્લેખ મળે છે. મુંબા દેવી મંદિર દક્ષિણ મુંબઇના પ્રખ્યાત ઝવેરી બજાર વિસ્તારમાં આવેલું છે.
આજના ખાસ કાર્યક્રમ
મુંબા દેવી મંદિરના સ્થાપના દિનની ઉજવણી હિન્દુ પંચાંગની તિથિ મુજબ કરવામાં આવે છે. ઝવેરી બજારમાં આવેલા મુંબાદેવી મંદિરના સ્થાપના દિવસ નિમિત્તે ‘પાટોત્સવ 2023’ (1 ફેબ્રુઆરી) વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 9 કલાકે સત્યનારાયણ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી વિશેષ પૂજા અને હવન યોજાશે. બપોરે 3 કલાકે મુંબાદેવીનો પાલખી ઉત્સવ યોજાશે. પાલખી યાત્રા દરમિયાન ઢોલ, તાશા સાથે મુંબા દેવીની આરતી થશે.પાલખી યાત્રા ધનજી સ્ટ્રીટ નાકા, દાગીના બજાર, તાંબા કાંટા, કાલબા દેવી રોડ, કામનાથ મંદિર ગેટ વગેરે વિસ્તારમાંથી પસાર થશે. શ્રી મુંબાદેવી મંદિર ટ્રસ્ટ ફંડના મેનેજર હેમંત જાદવે ભક્તોને દર્શનની સાથે તીર્થ પ્રસાદનો લાભ લેવા અપીલ કરી છે.
મુંબા દેવીનું મંદિરનો ઇતિહાસ
મુંબા દેવીનું મંદિર 1737માં મેંજીસ નામની જગ્યાએ બનાવવામાં આવ્યું હતું જ્યાં આજે વિક્ટોરિયા ટર્મિનસ બિલ્ડિંગ છે. બાદમાં, બ્રિટિશ સરકારે મરીન લાઇન્સ-ઈસ્ટ વિસ્તારમાં બજારની વચ્ચે આ મંદિરની સ્થાપના કરી. તે સમયે મંદિરની ત્રણેય બાજુઓ પર મોટા તળાવ હતા, જે હવે પુલ બન્યા બાદ મેદાન બનાવવામાં આવ્યા છે. આ મંદિરનો ઈતિહાસ લગભગ 400 વર્ષ પહેલાનો છે. એવું કહેવાય છે કે મુમ્બા દેવી મંદિરની સ્થાપના માછીમારોએ કરી હતી. તેઓ માનતા હતા કે દેવી મુમ્બા સમુદ્રથી તેમની રક્ષા કરે છે. આજે આ માયાનગરી 603 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલી છે. મુંબા દેવીને આખા મુંબઈમાં ખૂબ જ ઓળખવામાં આવે છે, દેશભરમાંથી લોકો ત્યાં દર્શન કરવા અને પ્રાર્થના કરવા જાય છે.
આ સમાચાર પણ વાંચો : ગુજરાતમાં 182માંથી કોંગ્રેસ-આપ પાસે મળીને વિપક્ષી 23 ધારાસભ્યો, વિપક્ષને સંખ્યા જોઈએ છે 26, ભાજપ પદ નહીં આપે
Join Our WhatsApp Community