ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 31 જાન્યુઆરી 2022
સોમવાર.
સંસદનાં બજેટસત્રની આજથી શરૂઆત થઈ ગઈ છે. તેની શરૂઆત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણથી કરાઇ છે. સંસદના બંને ગૃહોને સંબોધિત કરતા તેમણે કોરોના મહામારીથી લઈને આ દરમિયાન ચલાવવામાં આવી રહેલી યોજનાઓની માહિતી આપી હતી.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશના વીરોને નમન કરીને અભિભાષણ શરૂ કર્યું. તેમણે કહ્યું કે, સરકાર કોરોના સામે લડવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. ગરીબોને મફત રાશન આપવામાં આવી રહ્યું છે. દેશમાં સૌથી મોટો અનાજ વિતરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે. તેને માર્ચ 2022 સુધી લંબાવવામાં આવ્યો છે. સરકાર ભવિષ્યની તૈયારીઓમાં લાગી છે. આથી 64 હજાર કરોડ રૂપિયાથી આયુષ્યમાન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરાયું છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે આ વર્ષે સરકારે 23 જાન્યુઆરી નેતાજીની જયંતીથી ગણતંત્ર દિવસ સમારોહની શરૂઆત કરી છે. મારી સરકારનું માનવું છે કે દેશના સુરક્ષિત ભવિષ્ય માટે ભૂતકાળને યાદ રાખવો અને તેમાંથી શીખવું ખુબ જરૂરી છે.
મહિલા સશક્તિકરણ મોદી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતામાંથી એક છે. મુદ્રા યોજના હેઠળ મહિલાઓની ઉદ્યમિતા અને કૌશલને પ્રોત્સાહન મળ્યું છે. 'બેટી બચાવો, બેટી ભણાવો' ના અનેક સકારાત્મક પરિણામો સામે આવ્યા છે. તેમણે કહ્યું કે 11 કરોડથી વધુ ખેડૂત પરિવારોને PM-KISAN ના માધ્યમથી 1.80 લાખ કરોડ રૂપિયા મળ્યા. કૃષિ ક્ષેત્રમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. ભારતની કૃષિ નિકાસ 3 લાખ કરોડ રૂપિયા પાર કરી ગયું છે. સરકારે 433 લાખ મેટ્રિક ટનથી વધુ ઘઉંની ખરીદી કરી છે, જેનાથી 50 લાખથી વધુ ખેડૂતોને ફાયદો થયો.
કોવિડ મહામારી સમયગાળા દરમિયાન ભારતીય ફાર્મા ક્ષેત્રે પણ તેની શ્રેષ્ઠતા સાબિત કરી છે. હાલમાં, ભારતીય ફાર્મા કંપનીઓના ઉત્પાદનો 180 થી વધુ દેશોમાં પહોંચી રહ્યા છે, પરંતુ આ ક્ષેત્રમાં ભારતનો અવકાશ ઘણો વિશાળ છે. સરકાર દ્વારા ફાર્મા ઉદ્યોગ માટે જાહેર કરવામાં આવેલી યોજના આ શક્યતાઓને વિસ્તારશે અને સંશોધનને વેગ આપશે. સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસોના પરિણામે, યોગ, આયુર્વેદ અને પરંપરાગત દવા પદ્ધતિની લોકપ્રિયતા સતત વધી રહી છે.
મોદી સરકાર સબકા સાથ, સબકા વિકાસના માર્ગે ચાલીને સશક્ત ભારતના નિર્માણ તરફ ચાલી રહી છે. કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને પ્રભાવિત કર્યું છે, આ સ્થિતિમાં અમારી સરકાર અને નાગરિકોની વચ્ચે પરસ્પર વિશ્વાસ સ્થાપિત થઈ રહ્યો છે. ભારત સરકારે એક વર્ષથી પણ ઓછા સમયમાં 150 કરોડથી પણ વધુ વેક્સિન આપવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ અભિયાનની સફળતાએ નાગરિકોને સુરક્ષા કવચ આપ્યું છે. તેના પગલે તેમની સુરક્ષા અને મનોબળ પણ વધ્યું છે. દેશમાં 70 ટકાથી વધુ લોકોએ એક ડોઝ લીધો છે.
બજેટ સત્રની શરૂઆત પહેલાં પીએમ નરેન્દ્ર મોદી સંસદ પહોંચ્યા હતા અને તેમણે મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે આ દરમિયાન કહ્યું હતું કે વારંવાર ચૂંટણી સત્રને પ્રભાવિત કરે છે. ચૂંટણી પોતાની જગ્યાએ છે પરંતુ બજેટ સત્રનું પણ પોતાનું મહત્વ છે. ચૂંટણીના કારણે સંસદમાં ઉઠનારા મુદ્દાઓ પ્રભાવિત ન થવા જોઈએ. સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે, બજેટ પર ખુલ્લા મનથી ચર્ચા થાય. આ દેશને એક નવી ઊંચાઈએ લઈ જવાની તક છે. આજની વૈશ્વિક પરિસ્થિતિમાં ભારત માટે ખૂબ જ તકો ઉપલબ્ધ છે. આજે ભારતની આર્થિક પ્રગતિ, ભારતનો વેક્સિનેશન પ્રોગ્રામ, આપણી બનાવેલી વેક્સિન, સમગ્ર વિશ્વમાં એક વિશ્વાસ પેદા કરે છે.