ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ઑગસ્ટ, 2021
સોમવાર
ભગવાન કાળિયા ઠાકોર શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં આજે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે. વહેલી સવારે જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશની મંગળા આરતી યોજાઈ હતી. દ્વારકાના જગત મંદિરમાં 5 હજાર 248મા શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉલ્લાસભેર પરંપરાગત ઉજવણી થશે. જેમાં રાત્રે ૧૨ વાગ્યે પરંપરાગત જન્મોત્સવ ઊજવાશે. જ્યારે આવતી કાલે પારણા નોમ ઉત્સવ ઊજવાશે અને સર્વત્ર ‘નંદ ઘેર આનંદ ભયો… જય કનૈયા લાલ કી…’ના નાદ ગુંજી ઊઠશે.
આજે જન્માષ્ટમીના શુભ અવસરે દિવસે સવારે 6.00 વાગ્યે શ્રીજીની મંગળા આરતી સાથે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી ચાલુ થઈ ગઈ છે અને રાત્રે 12.00 વાગ્યે જન્મોત્સવ આરતી દર્શન બાદ 2.30 વાગ્યે મંદિરનાં દ્વાર બંધ થશે. કાળિયા ઠાકોરને સોના-ચાંદીના તારથી ભરતકામ કરેલા હીરાજડિત વાઘા પહેરાવવામાં આવશે. બાદમાં તારીખ 31મીએ પારણા નોમ ઊજવાશે.
જગત મંદિરનાં દ્વાર સવાનવ પછી દર્શન માટે ખૂલ્યાં હતાં. માસ્ક અને કોરોના ગાઇડલાઇન્સ મુજબ ભક્તોએ કતારમાં ઊભા રહી ભગવાન દ્વારકાધીશનાં દર્શન કર્યાં. ભક્તો દ્વારા દર્શન કરવા માટે અવિરત પ્રવાહ ચાલુ છે. બપોરે 12.00 વાગ્યે રાજભોગ અર્પણ કરાયા બાદ બપોરે 1.00 વાગ્યે મંદિરનાં દ્વાર બંધ કરવામાં આવ્યાં હતાં અને હવે સાંજે 5.00 વાગ્યે દર્શનાર્થીઓ માટે દ્વાર ખોલવામાં આવશે.
સાંજે 5.00 વાગ્યે મંદિરના દ્વાર ફરીથી ભક્તો માટે ખૂલશે એટલે કે ઉત્થાપન થશે. બાદમાં ઉત્થાનભોગ અને સંધ્યાભોગ લગાવવામાં આવશે. ત્યાર બાદ સંધ્યા આરતી 7:30 કલાકે થશે અને 8:30 કલાકે શયન આરતી થશે. મંદિર બંધ 9.00 વાગ્યે થશે ત્યાર બાદ વર્ષમાં એક વખત જ મંદિર રાત્રીના સમયે ભક્તો માટે ખૂલશે અને બરાબર 12.00 વાગ્યે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીના નાદ સાથે કૃષ્ણ જન્મોત્સવની વિશેષ આરતી થશે. બાદમાં 12:30થી 2:30 સુધી ભક્તો માટે જન્મોત્સવ દર્શન ખુલ્લાં રહેશે. જ્યારે તારીખ 31ના રોજ સવારે 7.00 કલાકે શ્રીજીના પારણા ઉત્સવનાં દર્શન, બાદમાં 10-30 કલાકે અનોરસ (દર્શન બંધ) રહેશે. એ બાદ સાંજે 5.00 કલાકે ઉત્થાપન દર્શન યોજાશે.
ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને પગલે ગત વર્ષે ભક્તો દ્વારકા આવી શક્યા ન હતા અને ઘરેથી જ ઑનલાઇન કૃષ્ણ જન્મોત્સવ મનાવ્યો હતો, પરંતુ આ વખતે મંદિરનો સૌથી મોટો ઉત્સવ ભાવિકોની હાજરીમાં ઊજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.