News Continuous Bureau | Mumbai
નેપાળમાં ફરી એકવાર રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ની કતારની યાત્રા દેશમાં કેટલીક ‘મહત્ત્વપૂર્ણ રાજકીય ઘટનાઓ’ના કારણે રદ કરવામાં આવી છે. અધિકારીઓએ સોમવારે આ માહિતી આપી. પ્રચંડની સરકાર પર ઘેરાતું જોખમ અને આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રચંડ અલ્પ વિકસિત દેશો (એલડીસી)ની પાંચમી સમિટમાં ભાગ લેવા માટે 3 માર્ચે કતાર જવાના હતા. જોકે, આ દરમિયાન પૂર્વ વડાપ્રધાન કેપી ઓલીએ પ્રચંડ સરકારમાંથી સમર્થન પાછું ખેંચવાની જાહેરાત કરી છે.
માનવામાં આવે છે કે ઓલીની જાહેરાત બાદ પ્રચંડે તેમની મુલાકાત રદ કરી છે. પદ સંભાળ્યા બાદ પ્રચંડની આ પ્રથમ સત્તાવાર વિદેશ યાત્રા હોત. અગાઉ તેમના ભારત આવવાની અટકળો હતી. તેમણે ગયા વર્ષે 26 ડિસેમ્બરે વડાપ્રધાન પદ સંભાળ્યું હતું. પ્રચંડના મીડિયા સંયોજક સૂર્ય કિરણ શર્માએ સોમવારે જણાવ્યું હતું કે, “સૌથી ઓછા વિકસિત દેશો (એલડીસી)ના 5માં સંમેલનમાં ભાગ લેવા માટે વડાપ્રધાનની કતારની મુલાકાત હાલ દેશમાં કેટલાક મહત્ત્વપૂર્ણ રાજકીય કાર્યોને કારણે રદ કરવામાં આવી છે.”
આ સમાચાર પણ વાંચો : વિશ્વ: ઇરાનમાં શાળાએ જતા અટકાવવા માટે સેંકડો વિદ્યાર્થિનીઓને ઝેર અપાયું! જાણો શું છે સમગ્ર મામલો?
રાષ્ટ્રપતિની ચૂંટણી પર વિવાદ
આ પહેલા, રવિવારે વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, પ્રચંડના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ અલ્પ વિકસિત દેશો (એલડીસી)ના પાંચમા સમિટમાં ભાગ લેવા કતાર જશે. ત્યારે પ્રચંડના એક સહાયકે આ પુષ્ટિ કરી કે વડાપ્રધાને 9 માર્ચની રાષ્ટ્રપતિની ચૂંટણીને ધ્યાનમાં રાખીને દેશ ન છોડવાનો નિર્ણય લીધો છે. યુએન માનવાધિકાર પરિષદના ઉચ્ચ સ્તરીય સત્રમાં ભાગ લેવા માટે વિદેશ મંત્રી બિમલા રાય પૌડ્યાલ જીનીવા જવાના હતા તેના અમુક કલાક પહેલા જ વડાપ્રધાન પ્રચંડે તેમને પ્રવાસ રદ કરવા કહ્યું. નેપાળના મીડિયા અહેવાલો અનુસાર, પ્રચંડની આગેવાની હેઠળના CPN-માઓવાદી કેન્દ્ર સહિત આઠ રાજકીય પક્ષોએ રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન નેપાળી કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામચંદ્ર પૌડ્યાલને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે, જેના કારણે ઓલી નારાજ છે અને તેમણે સમર્થન પાછું ખેંચવાની જાહેરાત કરી છે, જેના કારણે પ્રચંડ સરકારનું ભવિષ્ય જોખમમાં છે. જો કે, પ્રચંડને નેપાળી કોંગ્રેસનું પણ સમર્થન છે. આ કારણે પ્રચંડ સરકારના પતનની શક્યતા ઓછી છે.
Join Our WhatsApp Community