પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
સ્કંધ પહેલો
મંગલાચરણ
જન્માદ્દસ્ય યતોડન્વયાદિતરતશ્ર્વાર્થેષ્વભિજ્ઞ: સ્વરાટ્ તેને બ્રહ્મ હ્રદા ય આદિકવયે મુહ્યન્તિ યત્સૂરય: ।
તેજોવારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગોડમૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરં ધીમહિ ।।
સત્કર્મોમાં અનેક વિઘ્નો આવે છે. તે સર્વની નિવૃતિ માટે મંગલાચરણની આવશ્યક્તા છે. કથામાં બેસો ત્યારે પણ
મંગલાચરણ કરીને બેસો. શાસ્ત્રમાં તો ત્યાં સુધી કહ્યું છે કે દેવો સત્કર્મમાં વિઘ્ન કરે છે. દેવોને ઈર્ષા થાય છે, કે આ નારાયણનું
ધ્યાન કરશે તો અમારા જેવો થશે. તેથી એ દેવોની પ્રાર્થના કરવી પડે છે કે હે દેવો, અમારા સત્કાર્યમાં વિઘ્ન ન કરશો. સૂર્યદેવ
અમારું કલ્યાણ કરો. વરુણદેવ અમારું કલ્યાણ કરો વગેરે. શન્નો મિત્ર: શન્નો વરુણ:
જેનું મંગલમય આચરણ છે, તેનું ધ્યાન કરવાથી, તેને વંદન કરવાથી, તેનું સ્મરણ કરવાથી મંગલાચરણ થાય છે. જેનું
આચરણ મંગળ છે તેનું મનન અને ચિંતન કરવું એ મંગલાચરણ. એવો એક પરમાત્મા છે, શ્રીકૃષ્ણનું ધ્યાન મંગલ છે, નામ મંગલ
છે. સંસારની કોઈ વસ્તુ કે જીવનુ ચિંતન કરવાનું નહિ. ઇશ્વરનું ચિંતન-ધ્યાન મનુષ્ય કરે તો ઈશ્વરની શક્તિ મનુષ્યમાં આવે.
ક્રિયામાં અમંગલપણું કામથી આવે છે. કામ જેને સ્પર્શ કરે છે, તેનું સર્વ અમંગલ. શ્રીકૃષ્ણને કામ સ્પર્શ કરતો નથી, તેથી તેનું સર્વ
મંગલ છે. જેના મનમાં કામ છે એમનું સ્મરણ કરશો તો, એનો કામ તમારા મનમાં આવશે. સકામનું ચિંતન કરવાથી આપણા
મનમાં સકામતા આવે છે. અને નિષ્કામનું ચિંતન કરવાથી મન નિષ્કામ બને છે. શિવજીનું બધું અમંગલ છે, તેમ છતાં તેમનું
સ્મરણ મંગલમય છે. તેનું કારણ એક જ છે. શિવજીએ કામને બાળીને ભસ્મ કર્યોં છે. મનુષ્ય સકામ છે, ત્યાં સુધી તેનું મંગલ થતું
નથી. તે જ્યારે નિષ્કામ બને ત્યારે તેમનું બધું મંગલમય થાય છે. ઈશ્વર પૂર્ણ નિષ્કામ છે, તેથી ભગવાનનું સ્મરણ કરો, ધ્યાન
કરો. પરમાત્મા બુદ્ધિથી પર છે. શ્રીકૃષ્ણનું ધ્યાન કરનારો નિષ્કામ બને છે. સતત શ્રીકૃષ્ણનું ધ્યાન ન થાય તો વાંધો નહિ, પણ
જગતનાં સ્ત્રી-પુરુષનું ધ્યાન ન કરો. થોડો વિચાર કરશો તો ખ્યાલમાં આવશે કે મન કેમ બગડેલું છે. સંસારનું ચિંતન કરવાથી
મન બગડે છે. તે મન પરમાત્માનું ધ્યાન કરવાથી સુધરે છે. જીવ અમંગલ છે. પ્રભુ મંગલમય છે. મનુષ્યમાં રહેલી કામવૃત્તિ મરે
તો, બધું મંગલ જ થાય છે. જે કામાધીન નથી, તેનું સદા મંગલ જ થાય છે. કામ જેને મારે એ જીવ અને કામ જેનાથી મરે એ
ઇશ્વર. મનુષ્યનું પોતાનું અમંગલ કાર્ય જ તેને વિઘ્નકર્તા છે, ન અન્ય કોઇનું કાર્ય.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૨૭
પ્રત્યેક કાર્યના આરંભમાં મંગલાચરણ કરો. ભાગવતમાં ત્રણ મંગલાચરણ છે. પ્રારંભમાં વ્યાસદેવનું, મધ્યમાં
શુકદેવજીનું અને સમાપ્તિમાં સૂતજીનું મંગલાચરણ છે. પથારીમાં પડયા પછી મનુષ્ય વધારે પાપ કરે છે. સવારમાં મંગલાચરણ
કરો, મધ્યાહને મંગલાચરણ કરો અને રાત્રે સૂતા પહેલાં મંગલાચરણ કરો.
ધીમહિ । વ્યાસજી ધ્યાન કરતાં કરતાં બોલ્યા, વારંવાર એક જ સ્વરૂપનું ચિંતન કરો. મનને પ્રભુના સ્વરૂપમાં સ્થિર કરો.
એક જ સ્વરૂપનું વારંવાર ચિંતન કરવાથી મન શુદ્ધ થાય છે. પરમાત્માના કોઇ પણ સ્વરૂપને ઈષ્ટ માની તેનું ધ્યાન કરો. ધ્યાન
એટલે માનસ દર્શન. રામ, કૃષ્ણ કે શિવ કોઈ પણ સ્વરૂપનું ધ્યાન કરવું. મંગલાચરણના શ્ર્લોકમાં સર્વથી શ્રેષ્ઠ સત્યરૂપ પ્રભુનું
ધ્યાન કરું છું, એમ વ્યાસજી કહે છે. ધ્યાન અંગે વ્યાસજીનો એવો આગ્રહ નથી કે એક શ્રીકૃષ્ણનું જ ધ્યાન કરો, ત્યાં ખાસ
વિશિષ્ટ વાચક સ્વરૂપનો નિર્દેશ નથી. જેને જે સ્વરૂપમાં પ્રીતિ હોય, તેને માટે તે સ્વરૂપનું ધ્યાન ઉત્તમ. જે ઠાકોરજીના સ્વરૂપના
ધ્યાનમાં આપણને આનંદ આવે તે આપણા માટે ઇષ્ટ છે. એકના જ અનેક સ્વરૂપ અને નામ છે. સનાતન ધર્મમાં દેવ અનેક હોવા
છતાં ઇશ્વર એક જ છે. મંગલાચરણમાં કોઈ દેવનું નામ લીધું નથી. ઇશ્વર એક જ છે તેનાં સ્વરૂપો અનેક છે.