પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
ભાગવતમાં એક નવીન માર્ગદર્શન આપ્યું છે, અમે ઘર ધંધો છોડી શકતા નથી એમ કહેનારને ભાગવતશાસ્ત્ર કહે છે-
નિરાશ થશો નહીં, સર્વ છોડીને જંગલમાં જવાની જરૂર નથી, જંગલમાં જવાથી જ આનંદ મળે છે, તેવું નથી, જીવ સર્વ પ્રકારની
પ્રવૃત્તિ છોડીને નિવૃત્તિમાં બેસે છે, ત્યારે મનમાં પ્રવૃત્તિના જ વિચાર આવે છે, ભાગવતશાસ્ત્રનો આદર્શ દિવ્ય છે, ગોપીઓએ ઘર
છોડયું નથી, ગોપીઓ ધંધો કરતી. સ્વધર્મનો ત્યાગ કરી તેઓ વનમાં ગઈ નથી, તેમ છતાં તેઓ ભગવાનને પ્રાપ્ત કરી શકી હતી.
પ્રહલાદજીને ઘરમાં જ પ્રભુ મળ્યા હતા. ભાગવતશાસ્ત્ર માર્ગદર્શન આપશે કે યોગીને જે આનંદ સમાધિમાં મળે છે તે આનંદ તમે
ઘરમાં મેળવી શકો છો. ઘરમાં રહીને પણ તમે પ્રભુને પ્રસન્ન કરી શકો છો. પ્રાપ્ત કરી શકો છો પણ તમારો પ્રત્યેક વ્યવહાર
ભક્તિમય બનવો જોઈએ. ગોપીનો પ્રત્યેક વ્યવહાર ભક્તિમય બન્યો હતો.
ઘરમાં રહીને પણ ભગવાનનાં દર્શન થઈ શકે છે. ગોપીઓને ઘરમાં પરમાત્માનાં દર્શન થયાં હતાં. ગોપીઓ માનતી કે મારા
કૃષ્ણ હું જ્યાં જાઉં ત્યાં મારી સાથે છે. વ્રજમાં આવી ગોપીઓનાં દર્શન કરી ઉદ્ધવનો જ્ઞાનગર્વ ઉતરી ગયો હતો. ગોપીઓનાં
સત્સંગમાં આવ્યા પછી ઉદ્ધવજી કહેવા લાગ્યા:-
વન્દે નન્દવૃજસ્ત્રીણાં પાદરેણુમભીક્ષ્ણશ: ।
યા સાં હરિકથોદ્ગીતં પુનાતિ ભુવનત્રયમ્ ।।
નંદબાબાના વ્રજમાં રહેનારી આ ગોપીઓનાં ચરણોની ધૂળને હું વારંવાર પ્રણામ કરું છું. તેને માથા પર ચઢાવું છું. અરે!
આ ગોપીઓએ ભગવાન શ્રીકૃષ્ણની લીલા કથા સંબંધમાં જે કાંઈ ગાન કર્યું છે, તે ત્રણે લોકોને પવિત્ર કરી રહ્યું છે અને સદા સર્વદા
પવિત્ર કરતું રહેશે.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૩
ગોપીઓ સર્વમાં ભગવાનને નિહાળે છે. આ ઝાડમાં, લતામાં, ફળમાં, ફૂલમાં મને મારા પ્રભુ દેખાય છે, મારા કૃષ્ણ મને
છોડીને જતા નથી, ગોપીઓને ઘરમાં પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે. ભાગવતમાં બતાવ્યું છે કે ઘરમાં રહી તમે તમારો વ્યવહાર
કરશો તો પણ પરમાત્માની પ્રાપ્તિ થઈ શકશે. ઘરમાં રહેવુ એ પાપ નથી પણ ઘરને મનમાં રાખવું એ પાપ છે. બધાએ સાધુ થવાની
જરૂર નથી. અરે બધાં સંન્યાસ લેશો તો સાધુઓનું સ્વાગત કોણ કરશે? તેમને માન કોણ આપશે? ગોપીઓની પ્રેમલક્ષણા ભક્તિ
એવી દિવ્ય છે કે તેમને ઘરમાં રહ્યા છતાં પ્રભુની પ્રાપ્તિ થઈ છે. ગોપી કૃષ્ણરૂપ બની તેમ જેમનું મન શ્રીકૃષ્ણમાં મળશે તે કૃષ્ણરૂપ
થશે, એવા અલૌકિક ભક્તિમાર્ગનુ, વ્યાસ નારાયણ આ ભાગવતમાં વર્ણન કરે છે કે જે ભક્તિ દ્વારા પરમાત્માનો સાક્ષાત્કાર થઈ
શકે છે.
ભાગવત તમારો પ્રત્યેક વ્યવહાર ભક્તિમય બનાવશે. ભાગવત વ્યવહાર અને પરમાર્થનો સમન્વય કરી આપશે. તમને
ઘરમાં તે જ આનંદ અપાવશે, જે આનંદ યોગીઓ વનમાં બેસીને ભોગવે છે. યોગીઓ સમાધિમાં જેવો આનંદ મેળવે છે તેવો આનંદ
ગૃહસ્થને પણ પ્રાપ્ત થઈ શકે છે. માટે ભાગવતની રચના કરવામાં આવી છે.
સંસારના વિષયસુખમાં વૈરાગ્ય આવે અને પ્રભુ પ્રત્યે પ્રેમ જાગે તે જ ભાગવતની લીલા કથાનો ઉદ્દેશ છે. ભાગવત એટલે
ભગવાન મેળવવાનું સાધન. સંતનો આશ્રય કરનાર સંત બને છે. ભાગવતનો આશ્રય કરનારો ભગવાન બને છે.
ભક્તિ મંદિરમાં નહિ પણ જ્યાં બેસો ત્યાં થઈ શકે. તેને માટે એક દેશ કે કાળની જરૂર નથી. ભક્તિ ચોવીસ કલાક
કરવાની, ભક્તિનો કાળ અને ભોગોનો કાળ એવો ભેદભાવ રાખે તે ભક્તિ કરી શકતો નથી. ભક્તિ સતત કરો. ચોવીસ કલાક
બ્રહ્મસંબંધ રાખો. હંમેશા ખ્યાલ રાખો, સદા સાવધાન રહો કે માયા સાથે સંબંધ ન થાય.
જ્યારે વાસુદેવજીએ શ્રીકૃષ્ણને મસ્તક ઉપર પધરાવ્યા, ત્યારે બ્રહ્મસંબંધ થયો એટલે હાથપગની બેડીઓ તૂટી, પરંતુ
યોગમાયાને લઇને પાછા આવ્યા એટલે બંધન આવ્યું. વાસુદેવજીને બ્રહ્મસંબંધ થયો પરંતુ વાસુદેવજી બ્રહ્મસંબંધને ટકાવી શકયા
નહિ, બ્રહ્મસંબંધ ટકાવી રાખો, ઈશ્વરનું સ્મરણ છોડશો નહિ.