પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
પોતાની અંદર પરમાત્માનાં દર્શન કરવાં એ ભાગવતનું ફળ છે, જયારે ઉદ્ધવે ગોપીઓને કહ્યું કે શ્રીકૃષ્ણ મથુરામાં
આનંદથી બિરાજે છે ત્યારે ગોપીઓએ ઉદ્ધવને ઠપકો આપ્યો. ઉદ્ધવ, સર્વવ્યાપક શ્રીકૃષ્ણને તું કેવળ મથુરામાં રાખે છે. વ્યાપકનો
કોઈ ઠેકાણે અભાવ થઈ શક્તો નથી, તમે પણ જયાં જાવ ત્યાં પરમાત્માનો અનુભવ કરો. જેને પોતાની અંદર પરમાત્મા દેખાય તે
ઇશ્વરને એક ક્ષણ પણ છોડી શકે નહિ. ઘડામાંથી જેમ પોલાણ બહાર નીકળી શકતું નથી તેમ તેવા જ્ઞાનીને પરમાત્મા પણ છોડી
શકતા નથી. સૂરદાસને બહાર પણ પરમાત્મા દેખાય છે, અંદર પણ પરમાત્મા દેખાય છે, સૂરદાસ અંદર પણ પરમાત્માનો
અનુભવ કરે છે. પરમાત્માનો સાક્ષાત્ અનુભવ થાય એ જ ભાગવતનું ફળ છે. ભાગવત એ દર્શન શાસ્ત્ર છે. ભાગવત સાંભળ્યા
પછી મનુષ્યનો સ્વભાવ સરળ થાય છે, પોતાના દોષનું દર્શન થાય છે. ભાગવત મન ને સુધારે છે, દ્રષ્ટિને દિવ્ય બનાવે છે,
પરમાત્માનાં દર્શન કરવાનું સરળ સાધન આ ભાગવત છે.
પરમાત્માનાં દર્શન માટે બીજા ઘણાં શાસ્ત્રો છે પણ ભાગવતનું દર્શન અલૌકિક છે.
પરમાત્માનાં ત્રણ સ્વરૂપો શાસ્ત્રમાં કહ્યાં છે:- સત્, ચિત્ અને આનંદ. સત્ પ્રગટરૂપે સર્વત્ર છે. ચિત્-જ્ઞાન અને
આનંદ અપ્રગટ છે. જડ વસ્તુઓમાં સત્ છે, પણ આનંદ નથી. જીવમાં સત્, ચિત્ પ્રગટ છે પરંતુ આનંદ અપ્રગટ રૂપે છે,
અવ્યકતરૂપે છે. આમ આનંદ પોતાનામાં જ છે છતાં મનુષ્ય આનંદ બહાર શોધે છે. મનુષ્ય સ્ત્રીના શરીરમાં, ધનમાં આનંદ શોધે
છે. આનંદ કોઈ સ્ત્રીમાં કે પુરુષમાં કે જડ પદાર્થમાં નથી, આનંદરૂપ પરમાત્મા છે. તેનામાં એકરૂપ બનો એટલે આનંદ મળશે.
આનંદ એ તમારૂં સ્વરુંપ છે. આનંદ અંદર જ છે. એ આનંદને જીવનમાં કેવી રીતે પ્રગટ કરવો એ ભાગવતશાસ્ત્ર
બતાવશે.
દૂધમાં માખણ રહેલું છે, છતાં દેખાતું નથી. પણ તેનું દહીં બનાવી મંથન કરી છાશ કરવાથી માખણ દેખાય છે. તેવી રીતે
માનવીએ મનોમંથન કરી એ આનંદ પ્રગટ કરવાનો છે, દૂધમાં જેમ માખણનો અનુભવ થતો નથી, તેમ ઈશ્વર સર્વત્ર છે પણ તેનો
અનુભવ થતો નથી.
જીવ ઈશ્વરનો છે, તે ઇશ્વરને ઓળખવાનો પ્રયત્ન કરતો નથી, તેથી તેને આનંદ મળતો નથી. કોઇ પણ જીવ હોય તેને
ઇશ્વરને મળવું છે. નાસ્તિક પણ છેવટે તો શાંતિ જ શોઘે છે. શાંતિ એ પરમાત્માનું સ્વરૂપ છે.
આનંદના ઘણા પ્રકાર તૈતેરીય ઉપનિષદમાં બતાવ્યા છે, પરંતુ તેમાંનાં બે મુખ્ય છે:-
(૧) સાધનજન્ય આનંદ (૨) સ્વયંસિદ્ધ આનંદ.
સાધનજન્ય-વિષયજન્ય આનંદ:-સાધન કે વિષયનો નાશ થતાં તે આનંદનો નાશ થશે.
સ્વયંસિદ્ધ આનંદ:-યોગીઓ પાસે કંઈ હોતું નથી, તેમ છતાં તેઓને આનંદ છે. તે બતાવે છે કે આનંદ અંદર છે.
સત્, ચિત્, આનંદ ઈશ્વરમાં પરિપૂર્ણ છે. પરમાત્મા પરિપૂર્ણ સતરૂપ છે, પરિપૂર્ણ ચિતરૂપ છે, પરિપૂર્ણ આનંદરૂપ છે.
પરમાત્મા શ્રીકૃષ્ણ પરિપૂર્ણ આનંદ સ્વરૂપ છે. ઇશ્વર વગરનો સર્વ સંસાર અપૂર્ણ છે. મનુષ્યમાં જ્ઞાન આવે છે, પરંતુ તે
જ્ઞાન ટકતું નથી. શ્રીકૃષ્ણ પરિપૂર્ણ જ્ઞાની છે. શ્રીકૃષ્ણને સોળ હજાર રાણીઓ સાથે વાત કરતાં પણ એ જ આનંદ અને દ્વારિકા
વગેરેનો વિનાશ થાય છે, ત્યારે પણ એજ આનંદ. શ્રીકૃષ્ણનો આનંદ રાણીમાં કે દ્વારિકામાં નથી. સર્વનો વિનાશ થાય તો પણ
શ્રીકૃષ્ણના આનંદનો વિનાશ થતો નથી, કારણ શ્રીકૃષ્ણ પોતે જ આનંદરૂપ છે. સત્ નિત્ય છે. ચિત્ એ જ્ઞાન છે. ચિત્ શક્તિ
એટલે જ્ઞાન શક્તિ, મનુષ્ય પોતાના સ્વરૂપમાં સ્થિત નથી એટલે તેને આનંદ મળતો નથી. મનુષ્ય બહાર જેવો વિવેક રાખે છે તેવો
ઘરમાં રાખતો નથી. મનુષ્ય એકાંતમાં પોતાના સ્વરૂપમાં સ્થિત રહેતો નથી. ઉત્પત્તિ, સ્થિતિ અને સંહારની લીલામાં ઠાકોરજીના
સ્વરૂપમાં ફેરફાર થતો નથી. ઠાકોરજી સંહારને પણ પોતાની લીલા માને છે. ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર એ ઠાકોરજીની લીલા છે.
પરમાત્મા ત્રણેમાં આનંદ માને છે અને પોતાના સ્વરૂપમાં સ્થિત રહે છે.