ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
છેલ્લા ત્રણ મહિનાના સંશોધનમાં જાણવા મળ્યું છે કે વીડિયો ગેમ્સનો ઉપયોગ યહૂદીવિરોધી વિચારધારા, જાતિવાદ અને સમલૈંગિકો સામે નફરત ફેલાવવા માટે કરવામાં આવી રહ્યો છે.
ડીલાઇવ અને ઓડીસી જેવી લાઇવ સ્ટ્રીમિંગ સેવાઓ પર આ વિશે ચેટ થાય છે.
આ સ્થળોએ કૉલ ઑફ ડ્યૂટી અને માઇનક્રાફ્ટ જેવી વીડિયો ગેમ્સ વિશે વાતચીત થાય છે.
આ વાતચીત પાછળથી ટેલિગ્રામ જેવી ખાનગી મૅસેજિંગ ઍપ પર શિફ્ટ કરવામાં આવે છે.
આ ક્ષેત્રમાં કામ કરતા લોકોનું કહેવું છે કે રોજિંદા વાર્તાલાપમાં ઉગ્રવાદ સંબંધિત વાતોનો સમાવેશ કરવાથી લોકોનો ઉગ્રવાદ તરફ ઝુકાવ વધી શકે છે.
સંશોધકો દ્વારા જાણવા મળ્યું છે કે ગેમ્સમાં રમવાવાળો ખેલાડી તેની ભૂમિકા પસંદ કરી શકે છે અથવા તેના માહોલ અનુસાર ફેરફાર કરી શકે છે, એનો ઉપયોગ આવાં કાર્યો માટે કરવામાં આવી રહ્યો છે.
આમાં રોબલોક્સ અને માઇનક્રાફ્ટ જેવા પ્લૅટફૉર્મ અને ગેમ સર્જન સિસ્ટમ્સનો સમાવેશ થાય છે. આ સ્થળો નાઝી યાતના શિબિરો અને ચીનના વેઇગર મુસ્લિમો માટે તૈયાર શિબિરો હોય છે.
રોબલોક્સની રમતમાં ખેલાડીને જાતિવાદી વ્યક્તિની ભૂમિકા ભજવવાનું કહેવામાં આવે છે, જેમાં તે પોતાની કારથી લઘુમતીઓને કચડી શકે છે.
ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્ટ્રેટેજિક ડાયલૉગના જેકબ ડેવેએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે, “આનો ઘણા લોકો દ્વારા ઉપયોગ કરવામાં આવતો નથી, પરંતુ ઉગ્રવાદી તેમના માટે એક ભૂમિકા બનાવીને તેમની ઉગ્રવાદી કલ્પનાઓ ઑનલાઇન જીવી શકે છે.
રોબલોક્સ, ગેમિંગ કંપનીઓનું આ વિશે કહેવું છે કે, "અમારી પાસે બે હજાર મૉડરેટર અને તકનિકી છે, જે પ્લૅટફૉર્મને સુરક્ષિત રાખવા માટે ચોવીસ કલાક કામ કરે છે. અમે વાતચીતને યોગ્ય બનાવવાનો પ્રયાસ કરીએ છીએ. જો અમે કોઈ અસભ્ય કન્ટેન્ટ જોઈશું તો અમે તેના પર તરત જ કાર્યવાહી કરીશું.”
એ જ સમયે માઇનક્રાફ્ટે કહ્યું છે કે, “અમારે ત્યાં આતંકવાદ અને હિંસા સંબંધિત કન્ટેન્ટ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આ અમારી નીતિ અને ધોરણની વિરુદ્ધ છે. જો આવું કોઈ કન્ટેન્ટ અમારી સિસ્ટમ પર આવશે તો અમે એને ત્યાંથી દૂર કરીશું અને તેના વિરુદ્ધ યોગ્ય પગલાં ભરીશું.”
જોકે સંશોધકોનું કહેવું છે કે સોશિયલ મીડિયા પર નિયમોના કડક અમલ બાદ ઉગ્રવાદીઓ ગેમિંગ સાઇટ્સ તરફ વળ્યા હોય એવું લાગે છે.
આ માટે ડેવેએ કહ્યું, "ઉગ્રવાદીઓને તેમની વિચારધારા ફેલાવવા માટે આ સલામત જગ્યા મળી છે અથવા તેઓ કહી શકે છે કે તેઓ અહીં પ્રચારની જૂની પદ્ધતિઓનો ઉપયોગ કરી શકે છે."
તે કહે છે, “ઑનલાઇન ગેમિંગના માધ્યમથી કોઈ પણ વ્યક્તિ એ પ્રકારના શોખ ધરાવતા લોકોને મળી શકે છે. આમાં ઉગ્રવાદી વિચારધારા ધરાવતા લોકોનો સમાવેશ થાય છે. આના દ્વારા તેઓ સમાન વિચારધારા ધરાવતા લોકો સાથે જોડાઈ શકે છે. તે સંબંધો સ્થાપિત કરી શકે છે, જે ભવિષ્યમાં વધુ મજબૂત બની શકે છે.”
ફાસીવાદીવિરોધી સંગઠન ‛હોપ નોટ હેટ’ના જો મુલ્હાલ કહે છે, "એક વાર તમે આ ગેમનો ભાગ બની જાવ, પછી કટ્ટરતા અંદર આવી જાય છે. પછી તમે અન્ય બેઠકોમાં નાનાં જૂથોમાં જોડાવાનું શરૂ કરો, જરૂરી નથી કે ગેમ્સ રમતા હોય, પરંતુ રાજકારણ વિશે ખુલ્લેઆમ વાત કરતા હોય."
BBCના સવાલના જવાબમાં ટેલિગ્રામે કહ્યું કે તેઓ આ બાબતે સક્રિયપણે દેખરેખ રાખે છે અને આવા કન્ટેન્ટ દૂર કરે છે. જોકે ડીલાઇવ અને ઓડિસીએ કોઈ પ્રતિક્રિયા આપી ન હતી.
બંને કહે છે કે તેમની નીતિઓ નફરત અને હિંસક ઉગ્રવાદ પ્રત્યે કડક છે અને તેઓ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરતા કન્ટેન્ટને દૂર કરવામાં પહેલ કરે છે.
જો મુલ્હાલે કહ્યું કે શાળા કે કામ પછી જ્યારે તમે ઘરે બેસીને ગેમ્સ રમો છો, તો આ બધું ગેમમાં સામાન્ય લાગે છે, પરંતુ તમને ખ્યાલ નથી કે એ કેટલું જોખમી હોઈ શકે છે.
રૉયલ યુનાઇટેડ સર્વિસીસ ઇન્સ્ટિટ્યૂટ, આતંકવાદને નાથવા નિષ્ણાતોનો એક સમૂહ છે. તેણે ઉગ્રવાદ સામે લડવા માટે ઑનલાઇન ગેમિંગની મોટા પાયે તપાસ શરૂ કરી છે.
સંરક્ષણ બાબતોના થિંક ટૅન્કના એક સભ્ય ડૉ. જેસિકા વ્હાઇટે જણાવ્યું હતું કે, "ઑનલાઇન અને ચેટ સ્પેસ, જ્યાં આ બાબતોનું ઓછું નિરીક્ષણ કરવામાં આવે છે, ત્યાં ધીમે ધીમે ઉગ્રવાદીઓ દ્વારા કબજો કરવામાં આવી રહ્યો છે. જોકે આપણે આ બાબતે હકીકતો એકત્રિત કરવાની જરૂર છે.”
ઉગ્રવાદીઓ દ્વારા ગેમિંગ સ્પેસનો દુરુપયોગ રોકવા માટે સરકાર ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝ સાથે પણ વિચાર-વિમર્શ કરી રહી છે.
બ્રિટનની ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલી સંસ્થાનું કહેવું છે કે તેઓ આને રોકવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરે છે અને સરકારી એજન્સીઓના સતત સંપર્કમાં પણ છે, જેથી ગેમર્સને સુરક્ષિત રાખી શકાય.