ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 જુલાઈ 2021
મંગળવાર
મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ મહાનગરપાલિકાની બેદરકારી અને રેઢિયાળ કારભારનો ભોગ કાંદિવલીની ગુજરાતી મહિલા બની છે. કાંદિવલી (વેસ્ટ)ની હીરાનંદાની હેરિટેજ સોસાયટીમાં ફેક વેક્સિનેશન પ્રકરણમાં બનાવટી વેક્સિન લેનારી મહિલાને હવે કોરોના થયો છે.એને કારણે સોસાયટીમાં ફેક વેક્સિન લેનારા અન્ય રહેવાસીઓ ફફડી ઊઠ્યા છે. પાલિકાએ હજી સુધી આ સોસાયટીના સભ્યોના ઍન્ટી બૉડી ચેક કરવાનું કે તેમને ફરીથી વેક્સિન આપવા બાબતે મગનું નામ મરી પાડ્યું નથી રહી. પાલિકા પ્રશાસનની આવી બેદરકારી પ્રત્યે રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
હીરાનંદાની હેરિટેજ સોસાયટીમાં 30 મેના ફેક વેક્સિનેશન થયું હતું. આ પ્રકરણ બહાર આવ્યા બાદ પોલીસમાં ગુનો નોંધાયો હતો. અત્યાર સુધી આ પ્રકરણમાં સંડોવાયેલી હૉસ્પિટલના માલિકથી લઈને પૂરું રેકેટ ચલાવનારા લગભગ 13 લોકોની ધરપકડ થઈ છે, પરંતુ આ પ્રકરણમાં મુંબઈ મહાનગરપાલિકા સંપૂર્ણપણે નિષ્ક્રિય રહી છે. એની સામે રહેવાસીઓ ભારે આક્રોશમાં છે.
મુંબઈ પોલીસનો આ વિભાગ બંધ થવાને આરે; હાલ પ્રમુખ વગર ચાલે છે વિભાગ, જાણો વિગત
બિલ્ડિંગના રહેવાસીઓના કહેવા મુજબ બનાવટી વેક્સિન લેનારાઓના ઍન્ટી બૉડી ટેસ્ટ કરવામાં આવશે એવી પાલિકાએ જાહેરાત કરી હતી. જોકે દોઢ મહિના બાદ પણ પાલિકા તરફથી કોઈ હિલચાલ નથી. એથી પાલિકાના ઍડિશનલ કમિશનર સુરેશ કાકાણીની સોસાયટીના સભ્યોએ મુલાકાત લીધી હતી. એ દરમિયાન તેમણે સોસાયટીના સભ્યોને આ ટેસ્ટ જાતે કરાવી લો અથવા પાલિકા કરે એની રાહ જોવા માટે કહ્યું હતું.
ફેક વેક્સિનેશન દરમિયાન આપવામાં આવેલા સર્ટિફિકેટ પોલીસની ચાર્જશીટ ફાઈલ થયા બાદ રદ થશે. ત્યાર બાદ લોકોને પાલિકા ફરીથી વેક્સિન આપશે એવો વાયદો પાલિકાએ કર્યો હતો. આ દરમિયાન બિલ્ડિંગના અમુક રહેવાસીએ પાલિકાની રાહ જોવાને બદલે જાતે જ ઍન્ટી બૉડી ટેસ્ટ કરાવ્યાં હતાં. આ ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા. એટલે કે તે વેક્સિન બનાવટી હતી, એથી શરીરમાં કોઈ ઍન્ટી બૉડીઝ તૈયાર થયા જ નથી એ સાબિત થઈ ગયું છે. જોકે પાલિકા તમામ લોકોના ઍન્ટી બૉડી ટેસ્ટ કરશે એની રાહ જોવામાં સોસાયટીના એક મહિલા સભ્યને કોરોનો થઈ ગયો છે. એથી બનાવટી વેક્સિન લેનારા તમામ લોકોનું ટેન્શન વધી ગયું છે.
પાલિકાએ દોઢ મહિના દરમિયાન રહેવાસીઓના ઍન્ટી બૉડીઝ ટેસ્ટ કરી લેવા જોઈતાં હતાં. એથી લોકો વેક્સિન લેવા માટે મોકળા થઈ ગયા હોત. જો પાલિકા કરી શકતી ના હોય તો તેણે રહેવાસીઓને જાતે જ ટેસ્ટ કરાવી લેવાના અને જાતે જ વેક્સિન લેવાનું કહી દેવું જોઈએ એવી ફરિયાદ પણ સોસાયટીના સભ્યોએ કરી હતી. પાલિકાની રાહ જોવામાં સોસાયટીના મહિલા સભ્યને કોરોના થઈ ગયો છે. હવે બીજો કોઈ સભ્ય કોરોનાની ચપેટમાં ના આવે એવી પ્રાર્થના હાલ તો આ રહેવાસીઓ કરી રહ્યા છે.