News Continuous Bureau | Mumbai
Cricket : PJ હિન્દુ જીમખાના ખાતે શનિવારે યોજાયેલી સિયારામ નેશનલ બ્લાઈન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં ગુજરાતે મહારાષ્ટ્રને 10 વિકેટે હરાવ્યું. આ સાથે જ ગુજરાતે સતત 11મું રાષ્ટ્રીય બ્લાઈન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટનો ખિતાબ જીતીને ફરી એકવાર તેમનું પ્રભુત્વ પુરવાર કર્યું.
ટૂર્નામેન્ટમાં ગુજરાતનું પ્રભુત્વ
આ ટૂર્નામેન્ટમાં ગુજરાતની શરૂઆતથી જ સંપૂર્ણ પ્રભુત્વ રહ્યું છે. ગુજરાત ટીમના કેપ્ટન સંજય દરવડાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ગુજરાત વિજેતાની ટ્રોફી અને રૂ. 21,000ના રોકડ પુરસ્કાર સાથે ઘરે પરત ફર્યું હતું, જ્યારે મહારાષ્ટ્રને રૂ. 15,000 મળ્યા હતા.
જોકે પહેલા કોમનવેલ્થ ગેમ, વર્લ્ડકપ, અને હવે રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે તેમ છતાં આ ખેલાડીઓની હંમેશા ઉપેક્ષા કરવામાં આવી છે. એક તરફ ઈન્ડિયન ક્રિકેટ ટીમના ખેલાડીઓ છે કે જેઓ પર ધનવર્ષા થઇ રહી હોય તેવું આપણે જોતા આવ્યા છીએ, તો બીજી તરફ આપણા દેશની બ્લાઈન્ડ ક્રિકેટ ટીમની હાલત સૌથી ખરાબ છે. નેશનલ ક્રિકેટ ટીમ અને બ્લાઈન્ડ ક્રિકેટ ટીમના ખેલાડીઓના પુરસ્કારમાં જમીન આસમાન જેટલો તફાવત છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈનો પારો ગગડ્યો, સાથે હવાની ક્વોલિટી પણ ખરાબ થઈ; મુંબઈગરાઓ, તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
જ્યાં ભારતીય ક્રિકેટ ટીમને કરોડોનાં સ્પોન્સર મળી જાય છે માત્ર એક મેચ રમનાર ખેલાડી પણ લક્ષ્મીના ઢગમાં રમતા હોય છે ત્યારે રાજ્યનું નામ રોશન કરનાર નેત્રહીન ખેલાડીઓને માત્ર 21,000 રોકડ પુરસ્કાર મળ્યું છે.
દરમિયાન ગુજરાતના કેપ્ટન સંજય દારુઆડાએ આયોજકો, અંધ કલ્યાણ સંસ્થાને ઈનામની રકમ વધારવા વિનંતી કરતા કહ્યું કે, અમે નેત્રહીન ક્રિકેટરોની મુશ્કેલીઓ દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. વિજેતા ટીમ માટે ઈનામની રકમ ઓછામાં ઓછી રૂ. 50,000 હોવી જોઈએ..
નોંધનીય છે કે આ ચેમ્પિયનશિપમાં મહારાષ્ટ્ર, ગોવા , ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી અને પંજાબની ભાગીદારી જોવા મળી હતી.
બ્લાઇન્ડ ક્રિકેટમાં આ ત્રણ શ્રેણીઓ
બ્લાઇન્ડ ક્રિકેટમાં B1 (4 ખેલાડીઓ), B2 (4 ખેલાડીઓ) અને B3 (3 ખેલાડીઓ)ની ત્રણ શ્રેણીઓ છે. B1 વર્ગના ખેલાડીઓ સંપૂર્ણપણે નેત્રહીન છે, B2 વર્ગના ખેલાડીઓ 75 ટકા અને B3 વર્ગના ખેલાડીઓ 60 ટકા નેત્રહીન છે.